રાજકોટ જિલ્લાના પડધરીમાં વર્ષ 2020માં નદી કાંઠે કપડાં ધોવા ગયેલી મહિલા પર બળજબરીપૂર્વક દુષ્કર્મ ગુજારી, જાનથી મારી નાખવાની ધમકી આપવાના ચકચારી કેસમાં રાજકોટની સેશન્સ કોર્ટે ઐતિહાસિક ચુકાદો આપી નરાધમ આરોપી પ્રફુલ સોલંકીને તકસીરવાન ઠેરવી આજીવન કેદની સજા ફટકારી છે.
મહિલાની મરજી વિરુદ્ધ દુષ્કર્મ કરી આરોપી ફરાર થઈ ગયો 28 જાન્યુઆરી, 2020ના રોજ બપોરના સમયે ભોગ બનનાર મહિલા પડધરી પાસે આવેલી ડોંડી નદીના કાંઠે કપડાં ધોવા ગઈ હતી. આ દરમિયાન પડધરીના રહેવાસી આરોપી પ્રફુલ લાભુભાઈ સોલંકીએ ત્યાં ધસી આવી મહિલાની મરજી વિરુદ્ધ બળજબરીપૂર્વક દુષ્કર્મ આચર્યું હતું અને બાદમાં પીડિતાને ધમકી આપી હતી કે, જો આ અંગે કોઈને વાત કરીશ તો જાનથી મારી નાખીશ. આ દરમિયાન મહિલાનો પુત્ર અચાનક ત્યાં આવી ચડતાં આરોપી ઘટનાસ્થળેથી નાસી છૂટ્યો હતો. આ બનાવ અંગે પડધરી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધવતા પોલીસે આરોપીની ધરપકડ કરી કોર્ટમાં ચાર્જશીટ રજૂ કર્યું હતું.
આરોપી પ્રફુલ સોલંકીને આજીવન કેદની આકરી સજાનો હુકમ કર્યો રાજકોટ સેશન્સ કોર્ટમાં આ કેસ ચાલવા ઉપર આવતા સરકારી વકીલ દ્વારા પીડિતા અને તેના પુત્ર (જે આ ઘટનાનો નજરે જોનાર સાક્ષી હતો) તેની સોગંદ પર જુબાની લેવામાં આવી હતી. આ ઉપરાંત, ડૉક્ટરોની જુબાની, તપાસ કરનાર પોલીસ અધિકારીના નિવેદનો અને મહત્વના દસ્તાવેજી પુરાવાઓ કોર્ટ સમક્ષ રજૂ કરવામાં આવ્યા હતા.