રાજકોટ મહાનગરપાલિકા દ્વારા શહેરમાં રખડતા શ્વાનોના ખસીકરણ પાછળ કરોડો રૂપિયાનું આંધણ કરવામાં આવી રહ્યું હોવા છતાં સ્થિતિ અત્યંત વિસ્ફોટક બની છે. શહેરમાં શ્વાનોની હિંસકતા અને કરડવાના બનાવોમાં ચિંતાજનક વધારો થયો છે. મનપા દ્વારા શ્વાન વસ્તી નિયંત્રણની પ્રક્રિયા માટે વાર્ષિક ₹1.13 કરોડ (દરરોજ અંદાજે ₹30,958) જેટલો જંગી ખર્ચ કરવામાં આવે છે. આટલો મોટો આર્થિક બોજ સામાન્ય જનતાના ટેક્સના પૈસામાંથી ચૂકવાતો હોવા છતાં, વર્ષ 2026ના પ્રથમ 4 મહિનામાં જ 5,999 લોકોને શ્વાનોએ બચકા ભર્યા હોવાનું સત્તાવાર આંકડા પરથી સામે આવ્યું છે. જોકે, મનપાના અધિકારીએ વાતાવરણના બદલાવને કારણે શ્વાન આક્રમક બનતા હોવાનો લુલો બચાવ કર્યો છે.
ચાર મહિનામાં 5,999 કેસ, જાન્યુઆરી અને એપ્રિલમાં સૌથી વધુ આતંક રાજકોટ મનપાના આરોગ્ય કેન્દ્રો, સિવિલ હોસ્પિટલ (PDU) અને પદ્મકુંવરબા હોસ્પિટલ (PKH) ખાતે નોંધાયેલા સત્તાવાર આંકડા અનુસાર, ચાલુ વર્ષના પ્રથમ ચાર મહિનામાં જ શ્વાન કરડવાના કુલ 5,999 કેસ નોંધાયા છે. જેમાં જાન્યુઆરી મહિનામાં સૌથી વધુ 1,695 કેસ સામે આવ્યા હતા. ફેબ્રુઆરી અને માર્ચમાં કેસોમાં આંશિક ઘટાડો નોંધાયા બાદ, એપ્રિલ મહિનો શરૂ થતાં જ ગરમીની સાથે બનાવોમાં ફરી ઉછાળો આવ્યો હતો અને એપ્રિલમાં જ 1,553 લોકો ભોગ બન્યા હતા. 4 મહિનામાં મનપાના આરોગ્ય કેન્દ્રોમાં 2,452, સિવિલ હોસ્પિટલમાં 2,224 અને પદ્મકુંવરબા હોસ્પિટલમાં 1,323 કેસ નોંધાયા છે.