રાજકોટ ગોંડલ ચોકડી પાસે બુટલેગરોએ આઇસર ટ્રક અને સ્વીફટ કાર હેઠળ પોલીસને કચડી નાખવા કરેલા પ્રયાસના ગુનામાં આરોપીનો નિર્દોષ છૂટકારો થયો છે. આ બનાવમાં PSI જી એમ હડિયા દ્વારા છ રાઉન્ડ ફાયરીંગ કરવામાં આવ્યા હતા. જોકે, આરોપીઓ દ્વારા કોર્ટમાં દલીલ કરવામાં આવી હતી કે પોલીસ દ્વારા કરવામાં આવેલ ફરિયાદ અને બનાવ અંગેની હકીકતોમાં ઘણો બધો વિરોધાભાસ જોવામાં આવે છે, જેથી કોર્ટે દલીલો માન્ય રાખી આરોપીઓને નિર્દોષ છોડી મુક્યા છે.
પોલીસે આઇસર ટ્રકને અટકાવી પણ ચાલકે ઊભી ન રાખી તા.21.07.2016ના રોજ માલવીયાનગર પોલીસના હેડ કોન્સ્ટેબલ અમૃતભાઇ મકવાણાને બાતમી મળી હતી કે એક આઇસરમાં દારુ ભરી જુનાગઢથી રાજકોટ તરફ આવી રહ્યો છે, જેથી PSI જી.એમ.હડીયા સહિતના સ્ટાફે ગોંડલ ચોકડીએ વોચ ગોઠવી હતી. જે બાદ આઇસર ટ્રકને અટકાવતા તેના ચાલકે ઉભી ન રાખી આઇસર પોલીસ સ્ટાફ ઉપર ચડાવી દેવા પ્રયત્ન કર્યો હતો અને પાછળ આવતી સ્વીફટ કારે પણ પોલીસ સ્ટાફને ચકડવા પ્રયાસ કર્યો હતો.જોકે, પોલીસ સ્ટાફ સાઇડમાં હટી જતાં બધાનો બચાવ થયો હતો.
આ દરમિયાન પોતાની રીવોલ્વર લોડ ન હોવાથી પીએસઆઇ જી એમ હડીયાએ હેડ કોન્સ્ટેબલ અમૃતભાઇની રીવોલ્વરમાંથી આઇસર અને સ્વીફટ કાર ઉપર છ રાઉન્ડ ફાયરીંગ કર્યું હતું. જેથી, બંને વાહન રેઢા મુકી આરોપીઓ ફરાર થઇ ગયા હતા. જે બાદ તપાસ કરતા આઇસરમાંથી દારૂનો જથ્થો મળી આવ્યો હતો આ ગુનામાં પોલીસે જુનેદ હારૂન ગજ અને ઇમ્તીયાઝ ભીખુ રાઉમાની ધરપકડ કરી હતી. કેસ કોર્ટમાં ચાલી જતાં 16 સાહેદોની જુબાની લેવામાં આવી હતી.