રાજકોટમાં ફરી ખૂની ખેલ ખેલાયો છે. શહેરના રૈયા ટેલિફોન એક્સચેન્જ પાસે પતિએ માથામાં હથોડીના ઘા ઝીંકી પત્નીને મોતને ઘાટ ઉતારી છે. યુનિવર્સિટી પોલીસ સ્ટેશન વિસ્તારમાં ચાર દિવસમાં હત્યાની આ બીજી ઘટના છે.
સવારે 9 વાગ્યે ઘરે આવી માસી સાથે બોલાચાલી કરી મૃતક શિલ્પાબેનના બહેનની દીકરી નાયબ રહીમભાઈ જીયાણીએ નોંધાવેલ ફરિયાદમાં જણાવ્યું કે, હું 3 વર્ષથી રાજકોટ મારા માસી શિલ્પાબેન અને માસા અલ્તાફભાઈ સાથે તેમના ફ્લેટમાં રહું છું અને રાજકોટ ખાતે ગોદરેજ કંપનીની ઓફિસમાં નોકરી કરું છું. મારા માતા-પિતા આફ્રિકા રહે છે. મારા માસાને રૈયાધાર ખાતે કરિયાણાની દુકાન છે. આજે સવારે વહેલા 5 વાગ્યે મારાં માસા પોતાની દુકાને જતા રહ્યા હતા. હું અને મારા માસી ઘરે હતા. સવારે 9 વાગ્યે પરત ઘરે આવી મારા માસી સાથે બોલાચાલી કરી હતી અને બાદમાં અમે સાથે ચા નાસ્તો કર્યો હતો. થોડીવાર પછી મારા માસા હાથમાં વિમલનો થેલો લઈને ઘરે આવ્યા હતા અને મારા માસી સાથે ઝઘડો કરવા લાગ્યા હતા.
મારા માસાએ માસીને હોલમાં આવ મારે તને મારી નાખવી છે કહેતા માસીએ કહ્યું- તમે રૂમમાં આવી મને મારી નાખો. આ પછી અમે બને હોલમાં ગયા હતા ત્યારે મારા માસાના હાથમાં હથોડો હતો ત્યારે માસાએ મને વચ્ચે ન આવવાનું કહી વચ્ચે આવીશ તો તને પણ મારી નાખીશ કહ્યું હતું અને મને ધક્કો માર્યો હતો. આ પછી હું દરવાજો ખોલી પોલીસને ફોન કરવા બહાર આવી અને એટલી વારમાં મારા માસી ઉપર હુમલો કરી દીધો હતો, જેની ચીસો સાંભળી. હું પરત અંદર ગયો તો માસી ઉંધા પડેલા હતા અને લોહી નીકળતું હતું જેથી 108 મારફત હોસ્પિટલ ખસેડ્યા હતા જ્યાં તબીબે તપાસી મૃત જાહેર કર્યા હતા.