પેટ્રોલ, ડીઝલ અને સીએનજીના ભાવમાં સતત થઈ રહેલા વધારાને પગલે હવે વાલીઓના ખિસ્સા વધુ હળવા થવાના એંધાણ વર્તાઈ રહ્યા છે. રાજકોટ સ્કૂલ વાન એસોસિએશન દ્વારા આગામી 8 જૂનથી શરૂ થઈ રહેલા નવા શૈક્ષણિક સત્રથી સ્કૂલ વાન અને રિક્ષાના ભાડામાં 10 ટકાનો ભાવ વધારો કરવાની જાહેરાત કરવામાં આવી છે. આ નિર્ણયને કારણે અત્યાર સુધી જે માસિક રિક્ષા ભાડું ₹1000 હતું, તે વધીને અંદાજે ₹1150 સુધી પહોંચી જશે. જ્યારે સ્કૂલ વાનનું હાલનું ભાડુ ₹1200 છે, જે વધીને ₹1400 સુધી પહોંચી જશે. રાજકોટ શહેર અને જિલ્લાની 400થી વધુ ખાનગી શાળાઓના આશરે 45,000 વિદ્યાર્થીઓના વાલીઓ પર આ મોંઘવારીનો સીધો બોજ પડશે.
રાજકોટ સ્કૂલ વાન એસોસિએશનના પ્રમુખ બહાદુરસિંહ ગોહિલે જણાવ્યું કે, બે વર્ષ પહેલાં સીએનજીનો પ્રતિ કિલો ભાવ ₹76 હતો, જે હવે વધીને ₹88 થઈ ગયો છે. અમે છેલ્લા બે વર્ષથી ભાડામાં કોઈ વધારો કર્યો નથી અને વાલીઓ સાથે અમારા પારિવારિક સંબંધો છે. પરંતુ કૂદકે ને ભૂસકે વધતા ઇંધણના ભાવ અને વૈશ્વિક યુદ્ધની પરિસ્થિતિને કારણે ઊભી થયેલી મોંઘવારી વચ્ચે અમારે નછૂટકે આ નિર્ણય લેવો પડ્યો છે.
તેમણે ઉમેર્યું કે વાહનોના સ્પેર પાર્ટ્સ અને રિપેરિંગ ખર્ચ પણ દોઢા થઈ ગયા હોવાથી પરિવારનું ગુજરાન ચલાવવા માટે આ વધારો અનિવાર્ય બન્યો છે.
અન્ય એક સ્કૂલ વાન ચાલક મુરાદ દલવાણીએ વાલીઓને સહકાર આપવાની અપીલ કરતાં જણાવ્યું હતું કે, દેશ અને દુનિયાની આર્થિક સ્થિતિને કારણે પેટ્રોલ-ડીઝલ મોંઘા થયા છે. અગાઉ અમે જ્યારે વાનમાં સીએનજી પુરાવતા ત્યારે ₹600 નો ખર્ચ થતો હતો, જે હવે વધીને ₹780 થી ₹785 સુધી પહોંચી ગયો છે. હાલના ₹1000થી ₹1200ના માસિક ભાડા પર 10 ટકા રકમ વધારવી પડશે.