ભાયાવદર શહેરના વ્યસ્ત ગણાતા મેઇન રોડ પર આવેલા રાધાકૃષ્ણ મંદિર પાસે છેલ્લા 6 દિવસથી પીવાના પાણીની મુખ્ય પાઇપલાઇનના વાલ્વમાં મોટું ભંગાણ સર્જાયું હતું. આ ખામીના કારણે રોજ હજારો લીટર શુદ્ધ પાણીનો ભારે વેડફાટ થઈ રહ્યો હતો. ભંગાણવાળી જગ્યાથી પાલિકા પ્રમુખનું નિવાસસ્થાન માત્ર 100 ફૂટ જેટલા અંતરે જ આવેલું હોવા છતાં તંત્ર દ્વારા કોઈ કામગીરી કરવામાં આવી નહોતી.
મેઇન બજારમાં પાણી ફરી વળતાં વેપારીઓ અને સ્થાનિક લોકોમાં નગરપાલિકાની બેદરકારી સામે ભારે રોષ જોવા મળ્યો હતો. ભાયાવદરના મુખ્ય માર્ગ પરથી પસાર થતી પીવાના પાણીની લાઈનના વાલ્વમાં ગત સપ્તાહે અચાનક ટેકનિકલ ખામી સર્જાતા ભંગાણ પડ્યું હતું. વાલ્વમાંથી ચોવીસ કલાક સતત પાણી લીક થઈ રહ્યું હતું. જ્યારે પણ તંત્ર દ્વારા પાણી છોડવામાં આવતું ત્યારે આ જગ્યાએથી પાણી ફુવારાની જેમ ઉડતું હતું, આખું બજાર બેટમાં ફેરવાઈ જતું હતું.
આ ભંગાણના કારણે હજારો લીટર પાણી રસ્તા પર વહી જતાં મેઇન બજારમાં કાદવ-કીચડનું સામ્રાજ્ય સ્થપાયું હતું. દુકાનોની બિલકુલ સામે પાણી ભરાઈ રહેવાના કારણે વેપારીઓનો ધંધો-રોજગાર પ્રભાવિત થયો હતો અને ગ્રાહકોને નીકળવું પણ મુશ્કેલ બન્યું હતું. વેપારીઓએ જણાવ્યું હતું કે, રોજ નગરપાલિકાના શાસકો અને સત્તાધીશો આ જ રસ્તેથી પસાર થતા હોવા છતાં તેમને આંખ સામે થઈ રહેલો પાણીનો આ બગાડ દેખાતો નથી. સ્થાનિકોએ વાલ્વનું સમારકામ કરી પાણીનો વેડફાટ અટકાવવા ઉગ્ર માંગ કરી હતી.