રાજકોટ જિલ્લાના પડધરી તાલુકાના ખાખડાબેલા ગામે પૂર્વ બાતમી અને આયોજનબદ્ધ કાવતરું રચીને એક યુવાનની છરીના આડેધડ 9 ઘા ઝીંકી નિર્મમ હત્યા કરવાના કેસમાં પોલીસે વધુ એક મોટી સફળતા મેળવી છે. મુખ્ય બે શૂટર્સ-આરોપીઓની ધરપકડ કર્યા બાદ, પોલીસે આ ગુનામાં આખી રેકી કરનાર અને માહિતી સપ્લાય કરનાર ત્રીજા આરોપી પૃથ્વીરાજસિંહ જાડેજાની ધરપકડ કરી છે. પોલીસ તપાસમાં બહાર આવ્યું છે કે, લોકેશન ટ્રેસ થવાના ડરથી આરોપીઓ સામાન્ય સેલ્યુલર ફોન કોલનો ઉપયોગ કરવાને બદલે ઇન્સ્ટાગ્રામ (Instagram) કોલિંગના માધ્યમથી એકબીજાના સંપર્કમાં રહીને મૃતકની પળેપળની હિલચાલ પર નજર રાખતા હતા.
રાજકોટ જિલ્લા પોલીસ વડા (SP) વિજયસિંહ ગુર્જરના જણાવ્યા અનુસાર, આ ઘાતકી હત્યા પાછળનું મૂળ કારણ વર્ષ 2024માં પડધરી પોલીસ સ્ટેશનમાં નોંધાયેલી દુષ્કર્મ અને પોક્સો (POCSO) એક્ટ હેઠળની ફરિયાદ છે. આ કેસમાં મુખ્ય આરોપી મહેન્દ્રસિંહ, યશપાલસિંહ, અજયસિંહ અને મૃતકની પત્ની વિરૂદ્ધ ગુનો નોંધાયા બાદ, છેલ્લા બે વર્ષથી મહેન્દ્રસિંહ અને યશપાલસિંહ પોલીસ પકડથી ભાગતા ફરતા હતા. તેઓ કેસમાં સમાધાન કરવા માટે ભોગ બનનાર સગીરાના કાકા (મૃતક યુવાન) પર સતત દબાણ લાવતા હતા. આ બાબતે અગાઉ પણ અનેક વખત ઉગ્ર બોલાચાલી અને ઝઘડા થયા હતા. અંતે, સમાધાન ન થતાં ઉશ્કેરાઈને ગત 20 મેના રોજ યુવાનની હત્યાનો કારસો ઘડાયો હતો.
પોલીસે અગાઉ રવિવારના રોજ મુખ્ય આરોપી મહેન્દ્રસિંહ જાડેજા અને યશપાલસિંહ જાડેજાને ઝડપી પાડીને 6 દિવસના રિમાન્ડ મેળવ્યા હતા. તેમની કડક પૂછપરછ દરમિયાન મહેન્દ્રસિંહના પિતરાઈ ભાઈ પૃથ્વીરાજસિંહ જાડેજાનું નામ ખુલ્યું હતું. પૃથ્વીરાજસિંહ મૃતક યુવાન પોતાના ઘર કે ઓફિસથી ક્યારે નીકળે છે, કઈ કારનો ઉપયોગ કરે છે અને તેની સાથે કોણ હાજર છે, તે તમામ ચોક્કસ વિગતો મુખ્ય આરોપીઓ સુધી પહોંચાડતો હતો.