રાજકોટ શહેરમાં લુખ્ખા અને આવારા તત્વોનો આતંક દિવસેને દિવસે વધતો જોવા મળી રહ્યો છે. કારણ કે આવા અસામાજિક તત્વોને પોલીસનો કોઈ ખોફ જ ન હોય તેમ છાસવારે કાયદો હાથમાં લઈ નિર્દોષ લોકોને રંજાડી રહ્યા હોવાની ઘટનાઓ પોલીસ ચોપડે નોંધાઈ રહી છે ત્યારે આવી જ વધુ એક ઘટના શહેરના 80 ફૂટ રોડ પર આવેલ અમૂલ સર્કલ પાસે બની છે જેમાં પાન અને ટી સ્ટોલની દુકાને લુખ્ખા શખ્સોએ આવી તોડફોડ કરી આતંક મચાવ્યો હતો અને બાદમાં દુકાનદારને ધમકાવી અહીંયા દુકાન ચલાવવી હોય તો મને દરરોજ પૈસા આપવા પડશે કહી રૂ.1200 બળજબરી પૂર્વક પડાવી લીધા હતા.
ફક્ત એટલું જ નહીં, દુકાનદારના ભાણેજને માર પણ માર્યો હતો. બનાવ અંગે યુવાને થોરાળા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતાં પોલીસે ચાર શખસો સામે મારામારી, તોડફોડ અને ખંડણી ઉઘરાવવા સહિતની કલમ હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
આજીડેમ ચોકડી પાસે સોમનાથ સોસાયટી શેરી નંબર 1માં રહેતા જયેશ ઉર્ફે લાલો ઇન્દુભાઇ કવાતર (ઉં.વ.36)નામના યુવાને થોરાળા પોલીસ સ્ટેશનમાં નોંધાવેલી ફરિયાદમાં આરોપી તરીકે મોહિત ઉર્ફે બન્ની સુરેશભાઈ પરમાર, અજય કિરીટભાઈ ગોહેલ, હિતેન ઉર્ફે ડબ્બો કિરીટભાઈ ગોહેલ અને સુજલ સંજયભાઈ બથવારના નામ આપ્યા છે. યુવાને ફરિયાદમાં જણાવ્યું હતું કે, તેને 80 ફૂટ રોડ પર અમૂલ સર્કલ નજીક સરવૈયા હોલમાં ‘મોમાઈ પાન એન્ડ ટી સ્ટોલ’ નામની દુકાન છે, જે દુકાનમાં તેમનો ભાણેજ કિશન રઘાભાઈ ડાભી કામ કરે છે.