કર્ણાટકના મુખ્યમંત્રી સિદ્ધારમૈયા આજે રાજીનામું આપી શકે છે. તેમણે રાજ્યપાલ થાવરચંદ ગેહલોતને મળવા માટે સમય માંગ્યો છે અને બેંગલુરુમાં તેમના નિવાસસ્થાને મંત્રીઓની ‘બ્રેકફાસ્ટ મીટિંગ’ બોલાવી છે.
કોંગ્રેસ ધારાસભ્ય અશોક પત્તન અનુસાર, નાયબ મુખ્યમંત્રી ડીકે શિવકુમાર સીએમ બની શકે છે. સીએમ પદની સાથે સરકારના મંત્રીમંડળમાં પણ ફેરબદલ થશે. કેબિનેટમાં લગભગ 15 થી 20 નવા મંત્રીઓનો સમાવેશ કરવામાં આવી શકે છે. કર્ણાટક કોંગ્રેસના પ્રભારી રણદીપ સુરજેવાલા પણ બેંગલુરુ પહોંચી ગયા છે.
26 મેના રોજ સિદ્ધારમૈયા અને ડીકે શિવકુમાર દિલ્હી પહોંચ્યા હતા. બંને નેતાઓની મંગળવારે દિલ્હીમાં કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે અને સાંસદ રાહુલ ગાંધી સાથે 6 કલાક સુધી બેઠક થઈ. મહાસચિવ વેણુગોપાલે કહ્યું હતું કે- જે અટકળો લગાવવામાં આવી રહી છે, તે માત્ર અટકળો છે. તેમાં કોઈ સત્ય નથી. બેઠકમાં રાજ્યસભા અને વિધાન પરિષદ (MLC) ચૂંટણીઓ પર ચર્ચા થઈ.
દૈનિક ભાસ્કરને પાર્ટી સૂત્રોએ જણાવ્યું હતું કે પહેલા સિદ્ધારમૈયાએ રાજીનામું આપવાનો ઇનકાર કર્યો હતો. સિદ્ધારમૈયાએ પાર્ટી નેતૃત્વને કહ્યું હતું કે જો મને હટાવવામાં આવશે તો પાર્ટી તૂટશે, કારણ કે 50-60 ધારાસભ્યો મારી સાથે હટશે. હું ડીકે શિવકુમારની નીચે કામ નહીં કરું.
ભાજપ બોલી- કર્ણાટકમાં વહેલી ચૂંટણી નક્કી
ભાજપના પ્રદેશ અધ્યક્ષ બી.વાય. વિજયેન્દ્રએ બુધવારે દાવો કર્યો કે કોંગ્રેસમાં આંતરિક કલહને કારણે વહીવટ ઠપ્પ થઈ ગયો છે. સિદ્ધારમૈયાએ કર્ણાટકને 10 લાખ કરોડના દેવામાં ધકેલ્યું છે. આનાથી રાજ્યમાં મધ્યસત્ર ચૂંટણી થવી નક્કી છે.