જનડા-કંધેવાળિયા રોડ પર પુલમાં મસમોટું ગાબડું પડ્યું‎

વીંછિયા તાલુકાના અમરાપુર ગામ નજીક જનડા અને કંધેવાળીયા રોડ વચ્ચે કરોડો રૂપિયાના ખર્ચે માત્ર બે વર્ષ પહેલાં બનાવવામાં આવેલ પુલમાં મસમોટો ભુવો પડી જતાં સ્થાનિકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. તંત્રની બેદરકારી અને નબળી કામગીરીને પગલે લોકઆક્રોશ ફાટી નીકળ્યો છે.

સ્થાનિક ગ્રામજનોના જણાવ્યા મુજબ, જ્યારે આ પુલનું નિર્માણ કાર્ય શરૂ કરવામાં આવ્યું હતું ત્યારથી જ તેમાં નબળી ગુણવત્તાનું મટીરીયલ વપરાતું હોવાના અને વ્યાપક ભ્રષ્ટાચારના આક્ષેપો ઉઠ્યા હતા. તે સમયે સ્થાનિકો દ્વારા રજૂઆતો કરવા છતાં જવાબદાર વિભાગ દ્વારા કોઈ ગંભીરતા દાખવવામાં આવી નહોતી. પરિણામે, માત્ર બે જ વર્ષના ટૂંકા ગાળામાં પુલ વચ્ચે મોટો ભૂવો પડી જતાં તંત્રની નબળી કામગીરી પોલી સાબિત થઈ છે.

હાલમાં આ પુલ પરથી પસાર થતા વાહનચાલકો માટે આ સ્થિતિ જીવનું જોખમ બની ગઈ છે. પુલ વચ્ચે પડેલો મોટો ભુવો ગમે ત્યારે કોઈ મોટી દુર્ઘટનાને આમંત્રણ આપી શકે છે. અકસ્માતની ભીતિ સર્જતા ભૂવાને તાત્કાલિક બુરવાની તંત્રએ ખાતરી આપતાં વાહન ચાલકોના શ્વાસ હેઠાં બેઠાં છે.

આરએનબી વિભાગના તાત્કાલિક રિપેરિંગ માટેના આદેશ આ ગંભીર મામલે માર્ગ અને મકાન વિભાગના અધિકારી ઝાલા સાથે ટેલિફોનિક સંપર્ક કરવામાં આવતા તેમણે જણાવ્યું હતું કે, વિભાગને આ પુલ અંગેની રજૂઆત મળી ગઈ છે. પરિસ્થિતિની ગંભીરતાને ધ્યાને રાખીને તાત્કાલિક ધોરણે રીપેરીંગ કરવા માટેના આદેશો આપી દેવામાં આવ્યા છે અને ટૂંક સમયમાં જ પુલના સમારકામની કામગીરી યુદ્ધના ધોરણે શરૂ કરી દેવામાં આવશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *