કોટડાસાંગાણીના ભાડવા રોડ પરથી 40 ટન ખનિજ ભરેલું ડમ્પર કબજે

રાજકોટ જિલ્લાના કોટડાસાંગાણી તાલુકામાં ભૂમાફિયાઓ અને ગેરકાયદેસર ખનિજ ચોરી કરનારાઓ સામે તંત્રે કરડાકી દાખવી છે અને કોટડાસાંગાણીના ભાડવા રોડ ઉપરથી રોયલ્ટી ભર્યા વગર જ ગેરકાયદેસર રીતે વહન થઈ રહેલું એક સિલિકા સેન્ડ (ખનિજ) ભરેલું ડમ્પર મામલતદારની ટીમે કબજે લઇને કાર્યવાહી શરૂ કરી છે.

કોટડાસાંગાણીમાં મામલતદારની ટીમ ભાડવા રોડ પર પેટ્રોલિંગ અને ચેકિંગમાં હતી, તે દરમિયાન શંકાસ્પદ હાલતમાં પસાર થઈ રહેલા એક ડમ્પર (નંબર: GJ-36-V-6722) ને અટકાવીને તેની ચકાસણી કરાઇ હતી. તપાસ દરમિયાન ડમ્પરમાં આશરે ૪૦ ટન સિલિકા સેન્ડ નામનો ખનિજ જથ્થો ભરેલો જોવા મળ્યો હતો.

મામલતદારે રોયલ્ટી પાસ કે અન્ય જરૂરી આધાર-પુરાવા માંગતા ચાલક પાસે કોઈ કાયદેસરના દસ્તાવેજો મળી આવ્યા નહોતા.આથી આ ખનિજનું વહન તદ્દન ગેરકાયદેસર અને અનઅધિકૃત હોવાનું ખૂલ્યું હતું.આથી ટીમે 40 ટન ખનીજનો જથ્થો, એક ડમ્પર મળીને કુલ 42 લાખનો મુદામાલ કબજે લઇને આગળની કાર્યવાહી શરૂ કરી છે. મામલતદાર એમ. એચ. રાવલ અને તેમના સ્ટાફે આ ખનિજ ભરેલા ડમ્પરને સીઝ કરી, સીઝર હુકમ કરીને મુદ્દામાલ જપ્ત કર્યો છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *