રાજકોટની પી.ડી.યુ. સિવિલ હોસ્પિટલમાં વર્ષોથી ચાલતી વહીવટી ગેરવ્યવસ્થા અને આંતરિક સંકલનના અભાવે ઇમર્જન્સી વિભાગની સ્થિતિ બગડી રહી હોવાનો ગંભીર આક્ષેપ ખુદ મેડિકલ ઓફિસરે કર્યો છે. તેમણે લખેલા વિગતવાર પત્રમાં દર્દીઓની સારવાર દરમિયાન ઊભી થતી મુશ્કેલીઓ, રેસિડેન્ટ ડોક્ટર્સ સાથેના મતભેદો અને ઇમર્જન્સી વિભાગમાં વધતી અવ્યવસ્થા અંગે ચિંતા વ્યક્ત કરી છે.
પત્રમાં જણાવાયું છે કે, ઇમર્જન્સી વિભાગમાં દર્દીને પ્રાથમિક સારવાર અને જરૂરી તપાસ કર્યા બાદ મેડિકલ ઓફિસર દર્દીને સંબંધિત વોર્ડમાં દાખલ કરવાનો નિર્ણય લે છે, પરંતુ અનેક વખત રેસિડેન્ટ ડોક્ટર્સ દર્દીને સ્વીકારવામાં આનાકાની કરતા હોવાથી પરિસ્થિતિ વધુ જટિલ બની જાય છે. દર્દી અને તેમના સગાંઓ વચ્ચે આ મુદ્દે ઉગ્ર બોલાચાલી સર્જાતી હોવાનો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે. મેડિકલ ઓફિસરોએ રજૂઆતમાં જણાવ્યું છે કે, ઇમર્જન્સી વોર્ડમાં બેડની સતત અછત રહેતી હોવાથી ગંભીર દર્દીઓને સમયસર સારવાર વ્યવસ્થા ઉપલબ્ધ કરાવવામાં મુશ્કેલી પડે છે. દર્દીઓને વોર્ડમાં શિફ્ટ કરવામાં વિલંબ થતો હોવાથી ઇમર્જન્સી વિભાગ પર ભાર વધતો જાય છે. આવી સ્થિતિમાં દર્દીઓના સગાઓનો રોષ પણ મેડિકલ ઓફિસરને સહન કરવો પડે છે.