જસદણના જીવાપર ગામે યુવકની હત્યાનો ભેદ ઉકેલાયો છે. દારૂના નશામાં થયેલી બોલાચાલી બાદ લાકડાના ફટકાથી યુવકને મોતને ઘાટ ઉતારનાર આરોપી હરેશ કોળીને આટકોટ પોલીસે ઝડપી પાડ્યો છે.
ગત સાંજે પાંચ વાગ્યાના સુમારે જીવાપર ગામના અરવિંદ લાખા રાઠોડ (ઉં.વ.35) પોતાના ઘરેથી ચાલીને નવા પ્લોટમાં આવેલા ઘરે જઈ રહ્યા હતા. ગામના ચોરા પાસે હનુમાન ડેરી નજીકથી પસાર થતી વખતે ગોલાની લારીએ ઉભેલા હરેશ કોળીએ નશાની હાલતમાં અરવિંદને બોલાવી ગાળો આપી હતી.
અરવિંદે ગાળો આપવાની ના પાડતા હરેશ ઉશ્કેરાઈ ગયો હતો. તેણે ત્યાં પડેલા લાકડાના બડિકાથી અરવિંદના માથાના ભાગે ઘા માર્યો હતો. ગંભીર ઈજા થતા અરવિંદ ત્યાં જ લોહીલુહાણ હાલતમાં ઢળી પડ્યા હતા અને ઘટનાસ્થળે જ તેમનું મોત નીપજ્યું હતું.
બનાવના પગલે આસપાસના લોકો ભેગા થઈ ગયા હતા અને પરિવારજનોને જાણ કરી હતી. અરવિંદને તાત્કાલિક જસદણની સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવતા ફરજ પરના તબીબે તેમને મૃત જાહેર કર્યા હતા. આ અંગે આટકોટ પોલીસને જાણ કરાતા પીઆઈ આર.એમ. રાઠોડ સહિતનો સ્ટાફ હોસ્પિટલે પહોંચ્યો હતો. પોલીસે જરૂરી કાર્યવાહી કરી મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે ખસેડ્યો હતો.
તપાસના આધારે પોલીસે હરેશ કોળી (જેનું નામ હર્ષદ લીંબા ડાભી પણ નોંધાયું છે) સામે ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી હતી. રસપ્રદ વાત એ છે કે, હત્યા કર્યા બાદ આરોપી હરેશે જ 108ને ફોન કરીને બનાવની જાણ કરી હતી. જોકે, મૃતકના સગા ત્યાં પહોંચી જતા હરેશ ત્યાંથી નાસી છૂટ્યો હતો. પોલીસે મોડી રાત્રે તેને વાડી વિસ્તારમાંથી ઝડપી પાડી વધુ પૂછપરછ હાથ ધરી છે.
મૃતક અરવિંદભાઈ ખેતમજૂરી કરતા હતા અને તેમને બે પુત્ર તથા એક પુત્રી છે. તેમના મોતથી પરિવારમાં શોકનો માહોલ છવાઈ ગયો હતો. પરિવારજનોના જણાવ્યા અનુસાર, આરોપી હરેશ કોળી દારૂ પીવાની ટેવ ધરાવે છે અને નશાની હાલતમાં અવારનવાર નિર્દોષ લોકોને મારકૂટ કરતો હતો. અગાઉ પણ તેણે અરવિંદભાઈને બે વખત માર માર્યો હોવાનું સામે આવ્યું છે.