રાજકોટ શહેરમાં કુવાડવા નજીક નવાગામમાં પોલીસ કોન્સ્ટેબલ સાથે ઝપાઝપી કરી મોબાઈલની લૂંટ કરી બે શખ્સો નાસી છૂટ્યા હોવાની પોલીસ ફરિયાદ નોંધાઈ હતી. જેમાં કુવાડવા પોલીસ સ્ટેશનમાં જનરક્ષકમાં ફરજ બજાવતા કોન્સ્ટેબલને મળેલા કોલ બાદ જગ્યા પર પહોંચતા નામચીન સંજય ઉર્ફે ટકો સહીત બે શખ્સોએ તમે કેમ મોડા આવ્યાં કહીં પોલીસને જ ધક્કે ચડાવી ફરજમાં રુકાવટ કરી હતી. ત્યારે લૂંટ તેમજ ફરજમાં રુકાવટ સહિતની કલમ હેઠળ ગુનો નોંધવામાં આવ્યો હતો. જેમાં આજે કુવાડવા પોલીસે આરોપી સંજય ઉર્ફે ટકાની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
સંજય ઉર્ફે ટકો રોજાસરા વિરુધ્ધ અગાઉ 22 ગુના નોંધાઈ ચુક્યા છે પોલીસ કોન્સ્ટેબલને ધક્કે ચડાવી હુમલો કરી તેમની ફરજમાં રુકાવટ કરી તેમના મોબાઈલ ફોનની લૂંટ ચલાવવા કેસમાં નાસ્તા ફરતા આરોપી સંજય ઉર્ફે ટકો રોજાસરાની કુવાડવા પોલીસ દ્વારા રાજકોટ તાલુકાના જામગઢ ગામથી ચાચડીયા ગામ જતા રસ્તા પરથી ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. પોલીસ તપાસ દરમિયાન આરોપી વિરુદ્ધ અત્યાર સુધીમાં દારૂ, જુગાર, મારામારી, જાનથી મારી નાખવા ધમકી તેમજ પોલીસની ફરજમાં રુકાવટ સહિત 22 ગુના રાજકોટ શહેરમાં નોંધાઈ ચુક્યા હોવાનું પોલીસ તપાસમાં સામે આવ્યું છે.
રાજકોટ શહેર કુવાડવા પોલીસ મથકમાં કોન્સ્ટેબલ તરીકે ફરજ બજાવતા વિશાલભાઈ વઘાસીયાએ નોંધાવેલી ફરીયાદમાં આરોપી તરીકે સંજય ઉર્ફે ટકો રોજાસરા અને દિપક પલારીયાનું નામ આપતાં જણાવ્યું હતું કે, 12 મેના રોજ 10.28 વાગ્યે 112 જન રક્ષક કંટ્રોલ તરફથી કોલ આવ્યો. જેમા દીપકભાઇએ કોલ કર્યો હતો જે મિલકત સંબંધિતનો હોવાનુ જણાવતા 10.29 વાગ્યે રવાના થઇ અને ચાલુ ગાડીએ કોલ કરનાર દિપકભાઈને ફોન કરી શુ બાબતે કોલ કર્યો તે બાબતે પુછતા તેઓના ઘર પાસે અમુક લોકો ઝઘડો કરવા આવ્યા હોવાનુ જણાવ્યું હતું. આ પછી રાજકોટ સીટી પોલીસ કંટ્રોલરૂમ ખાતે 10.31 વાગ્યે એન્ટ્રી પડાવી અને 10.35 વાગ્યે નવાગામ આણંદપર રંગીલા સોસાયટી સોમનાથ રેસિડન્સીની સામે પહોંચ્યા હતા અને કોલકરનાર દિપકભાઈને મળી તેનુ નામ પુછતા દિપક ઉર્ફે ભુરો પલારીયા હોવાનુ જણાવ્યું હતું.
રૂ.40,000નો આઈફોન લૂંટી લીધો હતો આ પછી તેઓને કોલ બાબતે પુછવા જતા સામે તેમને કહ્યું કે, તમે કેમ મોડા આવ્યા જેથી જણાવ્યું કે,અમને કોલ મળતા તુરંત આવ્યા છીએ. વાત ચાલુ હતી દરમ્યાન નવાગામ ખાતે રહેતો સંજય ઉર્ફે ટકો રોજાસરા ઘસી આવી બોલાચાલી કરી ઝપાઝપી કરવા લાગ્યો હતો જેથી આ સંજયને માથાકુટ કરવાની ના પાડતા તે વધુ ઝપાઝપી કરી ગાળો આપવા લાગ્યો અને રૂ.40 હજારનો આઇફોન મોબાઇલ લુંટીને કોલ કરનાર દિપક પલારીયા સાથે પોતાનુ એકસેસ લઇને ભાગી ગયો હતો.