વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ બુધવારે ઇટાલીના પીએમ જ્યોર્જિયા મેલોનીને પારલે કંપનીની મેલોડી ટોફીનું પેકેટ ગિફ્ટ કર્યું. આનો વીડિયો ખુદ મેલોનીએ શેર કર્યો.
વીડિયો વાયરલ થતાં જ રોકાણકારોએ નામના કન્ફ્યુઝનમાં પારલે ઇન્ડસ્ટ્રીઝના શેર ખરીદી લીધા, જેના કારણે મંગળવારે તેમાં 5%ની અપર સર્કિટ લાગી ગઈ.
ખાસ વાત એ છે કે મેલોડી ટોફી બનાવતી કંપની પારલે પ્રોડક્ટ્સ છે, જે શેરબજારમાં લિસ્ટેડ જ નથી. રોકાણકારોએ ભૂલથી રિયલ એસ્ટેટ કંપની પારલે ઇન્ડસ્ટ્રીઝને મેલોડી બનાવતી કંપની સમજીને તેમાં રોકાણ કરી દીધું.
મંગળવારે ઇન્ટ્રાડે ટ્રેડિંગ દરમિયાન BSE પર પારલે ઇન્ડસ્ટ્રીઝનો શેર 5% વધીને ₹5.25 પર પહોંચી ગયો અને ઉપલા સ્તરે લોક થઈ ગયો. ઇન્ટરનેટ પર PM મોદી અને મેલોનીની ‘મેલોડી’ મોમેન્ટ વાયરલ થયા પછી રોકાણકારોએ સંપૂર્ણ તપાસ કર્યા વિના આ પેની સ્ટોકમાં ખરીદી શરૂ કરી. સોશિયલ મીડિયા પર મેલોડી બ્રાન્ડની ભારે ચર્ચાને કારણે શેરબજારમાં આ ગેરસમજ થઈ.
મેલોડી ટોફી પારલે પ્રોડક્ટ્સ કંપની દ્વારા બનાવવામાં આવે છે, જે પારલે-જી (Parle-G) બિસ્કિટ અને અન્ય ઘણી કન્ફેક્શનરી વસ્તુઓ માટે જાણીતી છે. બીજી તરફ, જે પારલે ઇન્ડસ્ટ્રીઝના શેર વધ્યા, તે ઇન્ફ્રાસ્ટ્રક્ચર, રિયલ એસ્ટેટ ડેવલપમેન્ટ અને પેપર વેસ્ટ રિસાયક્લિંગના વ્યવસાયમાં કામ કરે છે. શેરબજારમાં આવેલા આ ઉછાળા પર પારલે ઇન્ડસ્ટ્રીઝ તરફથી કોઈ સત્તાવાર નિવેદન બહાર પાડવામાં આવ્યું નથી.