કોલકાતા નાઈટ રાઈડર્સે IPL 2026માં સતત બીજી જીત મેળવી છે. ટીમે મુંબઈ ઈન્ડિયન્સને 4 વિકેટે હરાવ્યું છે. બુધવારે ઈડન ગાર્ડન્સ ખાતે કોલકાતાએ ટૉસ જીતીને બોલિંગ લીધી હતી. વરસાદના કારણે મેચ શરૂ થવામાં એક કલાકનો વિલંબ થયો હતો. આ જીત સાથે જ કોલકાતા હવે પાંચમા સ્થાને પહોંચી ગયું છે. તેમની છેલ્લી મેચ રવિવારે 24મીએ દિલ્હી સામે છે. જ્યારે મુંબઈ પહેલાથી જ ટુર્નામેન્ટની બહાર ફેંકાઈ ગઈ છે.
મુંબઈએ પહેલા બેટિંગ કરતા 20 ઓવરમાં 8 વિકેટના નુકસાને 147 રન બનાવ્યા હતા. ટીમે 84 રન પર જ પોતાની 5 વિકેટ ગુમાવી દીધી હતી. કેપ્ટન હાર્દિક પંડ્યાએ 26 રન બનાવીને ઇનિંગ્સ સંભાળવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ સુનીલ નારાયણે તેને બોલ્ડ કર્યો. છેલ્લી ઓવરોમાં કોર્બિન બૉશે 18 બોલમાં નોટઆઉટ 32 રન બનાવ્યા, જેના કારણે મુંબઈ સન્માનજનક સ્કોર સુધી પહોંચી શક્યું હતું.
કોલકાતા તરફથી કેમરૂન ગ્રીન, સૌરભ દુબે અને કાર્તિક ત્યાગીએ 2-2 વિકેટ ઝડપી હતી. સુનીલ નારાયણને 1 સફળતા મળી હતી, જ્યારે વિલ જેક્સ રનઆઉટ થયો હતો.
જવાબમાં 148 રનના ટાર્ગેટને ચેઝ કરવા ઉતરેલી કોલકાતાની ટીમે 18.5 ઓવરમાં 6 વિકેટ ગુમાવીને ટાર્ગેટ ચેઝ કરી લીધો હતો. ટીમે 54 રન પર 3 વિકેટ ગુમાવી દીધી હતી. અહીંથી મનીષ પાંડે અને રોવમેન પોવેલે 47 બોલમાં 64 રનની પાર્ટનરશીપ કરીને મેચને કોલકાતા તરફ વાળી દીધી હતી. મનીષ પાંડેએ 45 અને પોવેલે 40 રનનું યોગદાન આપ્યું હતું.