રાજકોટના વાવડી ઈન્ડસ્ટ્રીયલ વિસ્તારમાં પૈસાની લેતી-દેતી જેવી નજીવી બાબતમાં એક યુવક પર પથ્થરના ઘા ઝીંકી તેની કરપીણ હત્યા કરવામાં આવી હોવાની ચોંકાવનારી ઘટના સામે આવી છે. જેમાં ગંભીર રીતે ઈજાગ્રસ્ત યુવકે સિવિલ હોસ્પિટલમાં સારવાર દરમિયાન દમ તોડી દીધો છે. મૂળ બિહારના વતની અને હાલ રાજકોટમાં મજૂરી કામ કરીને રોજગારી મેળવતા પ્રવિણકુમાર તિવારીએ આ મામલે તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
પૈસાની લેતી દેતી બાબતે ખૂની ખેલ ગત બુધવારે બપોરે 3.30 વાગ્યા આસપાસ વાવડી વિસ્તારમાં મીરા કાસ્ટિંગ રોડ પર રોયલ ઈનોવેશન કારખાના પાસે ખૂની ખેલ ખેલાયો હતો. જેમાં મૃતક સુધીરકુમાર તિવારી અને હુમલાખોર આરોપી બિલાલ ભટ્ટી બંને એકબીજાના મિત્રો હતા અને આ જ વિસ્તારમાં આવેલી ઈંડા અને મટનની દુકાને અવારનવાર જમવા આવતા હોવાથી એકબીજાથી સારી રીતે પરિચિત હતા. બનાવના દિવસે બંને મિત્રો વચ્ચે પૈસાની લેતી દેતી બાબતે રોડ પર જ ઉગ્ર બોલાચાલી થઈ હતી.
આ સમયે ત્યાં હાજર દુકાનદારો સાકીર શાહ અને અનિશ રાહીનીએ જાહેર રોડ પર અને દુકાન પાસે ઝઘડો કરવાની ના પાડતા બંને ત્યાંથી દૂર આવેલા એક ઝાડ નીચે ચાલ્યા ગયા હતા. જો કે, ઝાડ નીચે ગયા બાદ બંને વચ્ચેનો મામલો વધુ બિચક્યો હતો અને વાત એટલી હદે વણસી કે આરોપી બિલાલ ભટ્ટીએ એકાએક ઉશ્કેરાઈ જમીન પર પડેલો એક મોટો અને વજનદાર પથ્થર ઉપાડી સુધીરકુમારના માથાના ભાગે ઝીંકી દીધો હતો.
સુધીરકુમાર લોહીલુહાણ હાલતમાં ઢળી પડ્યો આ જીવલેણ અને કરપીણ હુમલાના કારણે સુધીરકુમારના માથામાંથી લોહી વહેવા લાગ્યું હતું અને લોહીલુહાણ હાલતમાં જમીન પર બેભાન થઈને ઢળી પડ્યો હતો જ્યારે હુમલો કર્યા બાદ આરોપી બિલાલ ભટ્ટી પોલીસ પકડથી બચવા માટે ઘટનાસ્થળેથી નાસી છૂટ્યો હતો. અચાનક બનેલી આ ઘટનાને પગલે આસપાસના સ્થાનિક લોકો અને રાહદારીઓ એકઠા થઈ ગયા હતા અને તેમણે 108માં જાણ કરતા તેને સિવિલ હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યો હતો.
સારવાર સમયે મોત થતા બનાવ હત્યામાં પલટાયો હોસ્પિટલના બિછાને ગંભીર રીતે ઘાયલ સુધીરકુમારનું સારવાર દરમિયાન મોત નિપજતા હોસ્પિટલ ચોકીના સ્ટાફે તાલુકા પોલીસ સ્ટેશને જાણ કરતા પોલીસે હત્યાની કલમનો ઉમેરો કરી મૃતદેહને પોસમોર્ટમ અર્થે ખસેડી જરૂરી કાર્યવાહી હાથ ધરી આરોપી બિલાલ ભટ્ટીને ઝડપી પાડવા માટે અલગ-અલગ ટીમો બનાવીને ચક્રો ગતિમાન કર્યા છે.