રાજકોટ મનપા દ્વારા 48 વર્ષ જૂની જ્યુબિલી શાકમાર્કેટ તોડીને તેના સ્થાને રૂ. 29 કરોડના ખર્ચે બે માળની નવી આધુનિક માર્કેટ બનાવવા માટે માર્કેટ ખાલી કરાવવા બે દિવસથી મૌખિક સૂચનાઓ અપાતી હતી. ત્યારે આજે એસ્ટેટ શાખાએ માર્કેટ ખાલી કરાવવાની લેખિત નોટિસો આપવાનું શરૂ કરવામાં આવ્યું છે.
કુલ 215 વેપારીઓને આગામી 7 દિવસમાં માર્કેટ સંપૂર્ણપણે ખાલી કરી દેવા કડક આદેશ કરાતાં વેપારીઓમાં ભારે રોષ ફેલાયો છે, જેમાં કેટલાક વેપારીઓ હાજર ન હોવાથી તેમના બંધ થડા પર નોટિસો ચોંટાડી દેવામાં આવી છે.
જેને લઈને પોતાની આજીવિકા ગુમાવવાના ડરથી વેપારીઓ દ્વારા તંત્ર સમક્ષ ધંધા માટે વૈકલ્પિક વ્યવસ્થા કરી આપવાની માંગ કરવામાં આવી છે. અને માંગ નહીં સંતોષાય તો ઉગ્ર આંદોલનની ચીમકી ઉચ્ચારવામાં આવી છે. જોકે તંત્ર માર્કેટ ખાલી કરાવવા મક્કમ છે.