ઉધનામાં લોકોએ ટપલીદાવ કરતા સાથીદારોના નામ-સરનામા આપી દીધા

સુરતમાં રસ્તા પર ચાલતા કે વાહનમાં જતા નિર્દોષ લોકોના કિંમતી મોબાઈલ આંચકી જતી ગેંગ સક્રિય બની છે. આ વધતા જતા ત્રાસ વચ્ચે સુરતના ઉધના ત્રણ રસ્તા વિસ્તારમાં એક ચોંકાવનારી ઘટના સામે આવી છે, જ્યાં સ્થાનિક લોકોએ એક મોબાઈલ સ્નેચરને રંગેહાથ ઝડપી પાડ્યો હતો. ભીડ વચ્ચે ઘેરાયેલા આ ચોરને લોકોએ કાયદાનો પાઠ ભણાવતા પહેલા જાહેરમાં જ આક્રોશ પૂર્વક મેથીપાક આપવાનું શરૂ કર્યું હતું. રસ્તા પર જ લોકોએ કાયદો હાથમાં લઈ સ્નેચર પર પોતાનો ગુસ્સો ઠાલવતા સમગ્ર વિસ્તારમાં ભારે હોબાળો મચી ગયો હતો.

ભીડ વચ્ચે ઘેરાયેલો સ્નેચર ગભરાયો જ્યારે આ મોબાઈલ સ્નેચરને લોકોએ ચારેય તરફથી ઘેરીને પકડી રાખ્યો, ત્યારે તે અત્યંત ગભરાઈ ગયો હતો અને ધ્રૂજવા લાગ્યો હતો. આ ઘટના દરમિયાન એક વીડિયો પણ સોશિયલ મીડિયા પર વાઇરલ થયો છે. વીડિયોમાં જોઈ શકાય છે કે જ્યારે લોકો તેની પૂછપરછ કરી રહ્યા હતા, ત્યારે પાછળ ઉભેલી ભીડમાંથી એક અજાણ્યો વ્યક્તિ સતત કાયદો હાથમાં લઈ રહ્યો હતો. સ્નેચર જવાબ આપતો હતો તે દરમિયાન પાછળથી એક વ્યક્તિએ જોરથી તેના વાળ ખેંચી લીધા હતા. આટલેથી જ ન અટકતા, પૂછપરછ આગળ વધી ત્યારે બીજી વખત પણ તેના વાળ પકડીને ખેંચવામાં આવ્યા હતા. તસ્કર રડમસ અવાજે વિનંતી કરતો રહ્યો, છતાં ત્રીજી વખત પણ તેના વાળ જોરથી ખેંચવામાં આવ્યા હતા. આ ક્રૂરતા આચરનાર વ્યક્તિ કોણ હતો તે વીડિયોમાં સ્પષ્ટ દેખાતો નથી, પરંતુ સતત વાળ ખેંચ્યા બાદ આખરે તે શખ્સે સ્નેચરના માથાના પાછળના ભાગે જોરદાર ટપલી પણ મારી દીધી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *