રાજકોટની સૌરાષ્ટ્ર હાઇસ્કૂલ સામે આવેલા જે.પી.ટુ. આવાસના નવા બનતા બિલ્ડિંગ પાસે સિક્યુરિટી ગાર્ડ તરીકે નોકરી કરતા પ્રૌઢ પર હુમલો કરી મોબાઈલ લૂંટી લેવાના ગુનાનો ભેદ ક્રાઈમ બ્રાંચે ઉકેલી નાખ્યો છે.
પોલીસે હનુમાનમઢી વિસ્તારમાંથી બે શખ્સને ઝડપી પાડી તેમની પાસેથી લૂંટાયેલો મોબાઈલ અને બાઈક સહિતનો મુદ્દામાલ કબજે કરી જેલહવાલે કર્યા છે.
આ બનાવની જાણવા મળતી વિગતો મુજબ સહકાર મેઈન રોડ પર રહેતા કમલેશભાઈ ડોડિયા (ઉં.વ.51) જે.પી.ટુ. આવાસની સાઈટ પર સિક્યુરિટી ગાર્ડ તરીકે ફરજ બજાવતા હતા. ગત તા.11ના રોજ મોડી રાત્રે તેઓ ચોકીદારી કરતા હતા ત્યારે એક અજાણ્યો શખ્સ તેમની પાસે આવ્યો હતો.
આરોપીએ ‘કાકા કેટલા વાગ્યા છે, ટાઈમ જોઈ દો ને’ તેમ કહી કમલેશભાઈને વાતોમાં પરોવ્યા હતા. જેવો કમલેશભાઈએ મોબાઈલ કાઢ્યો કે તરત જ શખ્સ મોબાઈલ ઝૂંટવીને ભાગ્યો હતો. પોતાનો મોબાઈલ ઝૂંટવીને ભાગતા શખ્સનો કમલેશભાઈએ હિંમતપૂર્વક પીછો કર્યો હતો.
પકડાઈ જવાની બીકે લૂંટારાએ પોતાની પાસે રહેલી તીક્ષ્ણ છરી કાઢી કમલેશભાઈને ઝીંકી દીધી હતી. હુમલો કર્યા બાદ શખ્સ પોતાના સાગરીત સાથે બાઈક પર ફરાર થઈ ગયો હતો.
આ ગંભીર બનાવ અંગે ફરિયાદ નોંધાતા ક્રાઈમ બ્રાંચેહનુમાનમઢી પાસે શિવ પાર્કમાં રહેતા સાહિલ ફિરોજ સુમરા (ઉ.વ.27) અને આર્યન રાજેશ કાલે (ઉ.વ.18) ને ઝડપી લીધા હતા.