જસદણ પોલીસે ઘાસના પૂળાની આડમાં વિદેશી દારૂ ઘુસાડવાની પેરવી નાકામ કરી હતી, ચાલકની ધરપકડ કરી તેના કબજામાંથી 1.60 કરોડનો મુદામાલ કબજે લઇ કાર્યવાહી કરી હતી. જસદણ પોલીસે બાતમીના આધારે જસદણ-લીલાપુર રોડ પર દરોડો પાડીને ટ્રકમાંથી વિદેશી દારૂનો જંગી જથ્થો ઝડપી પાડ્યો હતો.
પોલીસને મળેલી બાતમીના આધારે વોચ ગોઠવવામાં આવી હતી અને તપાસ દરમિયાન એક શંકાસ્પદ ટ્રકને રોકી તેની તલાશી લેતા પોલીસ ચોંકી ઉઠી હતી. આ ટ્રકમાં ઉપરના ભાગે ઘાસના પૂળા એટલે કે ઘુસો ભરેલો હતો પરંતુ નીચે ખૂબ જ યોજનાબદ્ધ રીતે વિદેશી દારૂની 1,699 પેટીઓ છૂપાવવામાં આવી હતી.
આ કામગીરી દરમિયાન પોલીસે કુલ 81,000 થી વધુ દારૂની બોટલ અને ટ્રક મળીને કુલ રૂ. 1.60 કરોડનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. પોલીસે આ મામલે ટ્રક ચાલક રાહુલ ગુગડવાલની સ્થળ પર જ અટકાયત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. હાલમાં પોલીસ દ્વારા એ દિશામાં સઘન તપાસ કરવામાં આવી રહી છે કે આટલો મોટો દારૂનો જથ્થો ક્યાંથી લાવવામાં આવ્યો હતો અને સ્થાનિક સ્તરે આ જથ્થો કોને પહોંચાડવાનો હતો.