રાજકોટ ક્રાઇમ બ્રાન્ચે સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં સિનિયર સીટીઝન વેપારીઓને નિશાન બનાવતી એક શાતિર આંતરજિલ્લા ટોળકીનો પર્દાફાશ કર્યો છે. ભાવનગરના ગારિયાધારનો મુખ્ય સૂત્રધાર વિકી સેખલીયા બે સગીર સાગરીતો સાથે મળીને જે તે શહેરમાં રેકી કરી વૃદ્ધ વેપારીઓને વાતોમાં પરોવી ગણતરીની મિનિટોમાં ગલ્લામાંથી રોકડ સેરવી લેવાની મોડસ ઓપરેન્ડી ધરાવતો હતો.
પોલીસે સીસીટીવી ફૂટેજ અને હ્યુમન ઇન્ટેલિજન્સના આધારે ત્રણેયને ઝડપી પાડી રાજકોટ, ભાવનગર, નવસારી અને વાસદ સહિતના વિસ્તારોમાં આચરેલી 10 જેટલી ચોરીઓનો ભેદ ઉકેલી નાખ્યો છે. આરોપીઓ પાસેથી ₹7.58 લાખનો મુદ્દામાલ જપ્ત કરી પોલીસે અન્ય કેટલા વેપારીઓ આ ટોળકીનો ભોગ બન્યા છે, તે દિશામાં તપાસ તેજ કરી છે.
ટોળકી મોટાભાગે સિનિયર સીટીઝન વેપારીને ટાર્ગેટ કરતી રાજકોટ ડીસીપી ક્રાઇમ જગદીશ બાંગરવાએ જણાવ્યું હતું કે, રાજકોટ શહેરમાં થતી ઘરફોડ ચોરીને અટકાવવા તેમજ ગુનાના ભેદ ઉકેલવા મળેલી સૂચના આધારે રાજકોટ ક્રાઇમ બ્રાન્ચની ટીમ પેટ્રોલિંગમાં હતી ત્યારે ચોક્કસ બાતમીના આધારે એક ટોળકીને ઝડપી પાડવામાં આવી છે જેમાં મુખ્ય આરોપી ભાવનગરના ગારિયાધારનો વતની વિકી સેખલીયા અને બે સગીર વયના સાગરીતની ધરપકડ કરવામાં આવી છે.
આ ટોળકી મોટા ભાગે રેકી કર્યા બાદ સિનિયર સીટીઝન વેપારીને ટાર્ગેટ કરતી હતી અને તેમને વાતોમાં વ્યસ્ત રાખી તેમજ વસ્તુ ખરીદી કરવાના બહાને તેમની નજર ચૂકવી તેમના ગલ્લામાંથી રોકડ રકમને ચોરી ગુનો આચરતી હતી.