મકાનની સૂથી પરત આપવાના વિવાદમાં વચ્ચે પડેલા યુવક પર છરીના ઘા ઝીંકાયા

રાજકોટના ચુનારાવાડ વિસ્તારમાં રવિવારે રાત્રે મકાન સોદાના પૈસાની ઉઘરાણી બાબતે પાડોશીઓ વચ્ચે લોહિયાળ જંગ ખેલાયો હતો.

ગીર સોમનાથના ઘુસિયા ગામે મોટાભાઈની સગાઈના કામે જઈને પરત ફરેલા 20 વર્ષીય કલ્પેશ ડોડિયા પર તેના જ પાડોશીઓએ છરી વડે જીવલેણ હુમલો કર્યો હતો. ગંભીર રીતે ઘવાયેલા યુવકને સિવિલ હોસ્પિટલમાં ઓપરેશન માટે દાખલ કરવામાં આવ્યો છે.

રાવણ ચોક પાસે ચુનારાવાડ શેરી નં.2માં રહેતા કલ્પેશ મનુભાઇ ડોડિયાએ પોલીસમાં નોંધાવેલી ફરિયાદમાં આરોપી તરીકે પરસોત્તમ, તેના જમાઇ મેહુલ અને મેહુલના ભાઇ રોહિતનું નામ આપ્યું છે. પોલીસ ફરિયાદ મુજબ, આરોપી પરસોત્તમભાઈએ કલ્પેશના મોટાભાઈ પપ્પુભાઈના સાસુ (જોશનાબેન) ને દોઢેક વર્ષ પહેલાં મકાન રાખવા પેટે 1 લાખ રૂપિયા આપ્યા હતા.

હવે પરસોત્તમભાઈને તે મકાન લેવું ન હોય, તેઓ 1 લાખના બદલે 2 લાખ રૂપિયા પરત માગતા હતા. આ બાબતે ચુનારાવાડમાં કલ્પેશની ભાભીના ઘર પાસે ઝઘડો ચાલતો હતો.

ફરિયાદી અને તેમના મોટાભાઇ પપ્પુભાઇ તથા કાકાના દીકરા કિશનભાઇ ઘુસિયા ગામેથી રવિવારે રાત્રે 11 વાગ્યે પરત ફર્યા ત્યારે તેમના ભાભી સંજનાબેન અને રંજનાબેનના ઘર પાસે આરોપીઓ માથાકૂટ કરતા હતા અને મકાનની સૂથી પેટે ફરિયાદીના ભાઇના સાસુને દોઢ વર્ષ પહેલાં રૂ.1 લાખ આપ્યા હોય હવે મકાન જોતું ન હોય રૂ.2 લાખ પરત માગતા હતા.

આ માથાકૂટ જોઈને કલ્પેશ તેમને સમજાવવા ગયો હતો. ત્યારે આરોપીઓ ઉશ્કેરાઈ ગયા હતા અને “તારે અમારી વચ્ચે બોલવું નહીં’ તેમ કહી ગાળો આપી હતી. દરમિયાન પરસોત્તમભાઈ અને મેહુલે કલ્પેશને પકડી રાખ્યો હતો અને રોહિતે તેના નેફામાંથી છરી કાઢી કલ્પેશના પેટમાં જમણી બાજુ ઝીંકી દીધી હતી.

આ હુમલો થયા બાદ લોહીલુહાણ હાલતમાં કલ્પેશને 108 મારફતે સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. ડોક્ટરોના જણાવ્યા મુજબ છરીનો ઘા 3 ઇંચ જેટલો ઊંડો હોવાથી તાત્કાલિક ઓપરેશનની જરૂર પડી છે. થોરાળા પોલીસે કલ્પેશની ફરિયાદ પરથી પાડોશી મેહુલ, તેનો ભાઈ રોહિત અને સસરા પરસોત્તમભાઈ વિરુદ્ધ ગુનો નોંધી ધરપકડ કરવા તપાસના ચક્રો ગતિમાન કર્યા છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *