ઉપલેટા શહેરમાં વીજળી રોડ પર તાજેતરમાં નાખવામાં આવેલા ગટરના લોખંડના ઢાંકણા અને જાળીઓ રાતોરાત ગાયબ થઈ જતાં ભારે હોબાળો મચ્યો છે. આ ઘટનામાં ચોંકાવનારી બાબત એ છે કે ચોરોએ માત્ર એવી જ જગ્યાઓને નિશાન બનાવી છે, જ્યાં આસપાસ કોઈ CCTV કેમેરા નથી.
આ ઉઠાંતરીને કારણે ખુલ્લી થયેલી ગટરો રાહદારીઓ અને વાહનચાલકો માટે જીવલેણ બની છે; બે દિવસ પૂર્વે જ એક મહિલા આ ખુલ્લી કુંડીમાં ખાબકતા ઈજાગ્રસ્ત થઈ હતી. જ્યારે શહેરમાં બીજી જગ્યાએ પી.જી ચોક પૂર્ણિમા હોટલ પાસે પણ ૩ દિવસ પહેલા અચાનક રાત્રી ના સમયે કોઈ અજાણ્યા શખ્સોએ કુડી માંથી ઢાંકણું કાઢી લીધું હતું અને ગટરને ખુલ્લી કરી મુકી હતી.
જે ગટરમાં ગઈકાલે વહેલી સવારમાં પ્રૌઢ ગટરમાં પડતા ફેકચર થયાનું જાણવા મળ્યું હતું. આ ગંભીર બેદરકારી અંગે વોર્ડ નં. ૩ ના અપક્ષ સદસ્ય ચંદ્રપાલસિંહ જાડેજાએ સ્થાનિક વેપારીઓની ફરિયાદ બાદ સ્થળ મુલાકાત લીધી હતી. વેપારીઓ અને નગરજનોમાં એવી શંકા પ્રબળ બની છે કે આ કૃત્ય કોઈ જાણભેદુનું હોઈ શકે છે, જે કેમેરાના બ્લાઈન્ડ સ્પોટથી વાકેફ હોય.
ચંદ્રપાલસિંહે જણાવ્યું હતું કે, નગરપાલિકાએ આ મામલે તાત્કાલિક પોલીસ ફરિયાદ નોંધાવવી જોઈએ અથવા તો કુંડીના ઢાંકણા અને જાળીઓની મરામત કરાવવી જોઇએ.