નેપાળ સરકારે ભારતીય યાત્રાળુઓને લિપુલેખના માર્ગે કૈલાશ માનસરોવર યાત્રા ન કરવા અપીલ કરી છે. નેપાળના વિદેશ મંત્રાલયે રવિવારે એક નિવેદન બહાર પાડીને જણાવ્યું હતું કે 1816ની સુગૌલી સંધિ અનુસાર લિમ્પિયાધુરા, લિપુલેખ અને કાલાપાણી ક્ષેત્ર નેપાળનો ભાગ છે.
સરકારે જણાવ્યું હતું કે લિપુલેખના માર્ગે પ્રસ્તાવિત કૈલાશ માનસરોવર યાત્રા અંગે તેણે ભારત અને ચીન બંનેને રાજદ્વારી રીતે પોતાની વાંધા અને ચિંતાથી અવગત કરાવ્યા છે.
નેપાળે એ પણ જણાવ્યું હતું કે તે પહેલા પણ ભારતને આ વિસ્તારમાં માર્ગ નિર્માણ, વેપાર અને પર્યટન જેવી પ્રવૃત્તિઓ ન કરવા અપીલ કરતું રહ્યું છે. નેપાળે ચીનને પણ સત્તાવાર રીતે આ જાણકારી આપી છે કે લિપુલેખ તેનો ભાગ છે.
નેપાળ આ પહેલા પણ લિપુલેખને પોતાનો ભાગ ગણાવતું રહ્યું છે. તેણે ગયા વર્ષે કેટલીક નોટ બહાર પાડી હતી, જેમાં લિપુલેખ, કાલાપાણી અને લિમ્પિયાધુરાને નેપાળનો ભાગ દર્શાવવામાં આવ્યા હતા, જ્યારે આ ત્રણેય વિસ્તારો ભારતીય સીમામાં આવે છે.
ભારત, નેપાળ અને ચીનની સરહદને અડીને આવેલા આ વિસ્તારમાં હિમાલયની નદીઓથી બનેલી એક ખીણ છે, જે નેપાળ અને ભારતમાં વહેતી કાલી અથવા મહાકાલી નદીનું ઉદ્ગમ સ્થાન છે.
આ વિસ્તારને કાલાપાની પણ કહેવાય છે. અહીં જ લિપુલેખ ઘાટ પણ છે. અહીંથી ઉત્તર-પશ્ચિમ દિશામાં થોડા અંતરે બીજો એક ઘાટ છે, જેને લિમ્પિયાધુરા કહે છે.
અંગ્રેજો અને નેપાળના ગોરખા રાજા વચ્ચે 1816માં થયેલા સુગૌલી કરારમાં કાલી નદી દ્વારા ભારત અને નેપાળ વચ્ચે સરહદ નક્કી કરવામાં આવી હતી. કરાર હેઠળ કાલી નદીના પશ્ચિમ વિસ્તારને ભારતનો વિસ્તાર માનવામાં આવ્યો, જ્યારે નદીની પૂર્વમાં આવતો વિસ્તાર નેપાળનો બન્યો.
કાળી નદીના ઉદ્ગમ સ્થળને લઈને, એટલે કે તે સૌથી પહેલા ક્યાંથી નીકળે છે, તેને લઈને બંને દેશો વચ્ચે વિવાદ રહ્યો છે. ભારત પૂર્વીય ધારાને કાળી નદીનું ઉદ્ગમ માને છે. જ્યારે નેપાળ પશ્ચિમી ધારાને ઉદ્ગમ ધારા માને છે અને આ જ આધાર પર બંને દેશો કાલાપાણીના વિસ્તાર પર પોતાનો દાવો કરે છે.