રાજકોટ મનપા ચૂંટણીમાં મતદારોનો મિજાજ

રાજકોટ મહાપાલિકાની ચૂંટણીના પરિણામો જાહેર થઈ ગયા છે, જેમાં ફરી એકવાર ભારતીય જનતા પાર્ટીએ સ્પષ્ટ બહુમતી સાથે સત્તા સંભાળી છે. વર્ષ 2021ની જેમ જ આ વખતે પણ રાજકીય ગરમાવો જોવા મળ્યો હતો. આ ચૂંટણી પ્રક્રિયા દરમિયાન 51.18 ટકા મતદાન નોંધાયા બાદ ઇવીએમ દ્વારા ઉમેદવારોના ભાગ્યનો ફેંસલો થયો, ત્યારે ભાજપ 65 બેઠકો જીતીને વિજેતા બન્યું છે. આ ચૂંટણીમાં સૌથી વધુ ચર્ચા ‘નોટા’ (None of the Above) વિકલ્પની થઈ રહી છે, કારણ કે શહેરના હજારો મતદારોએ એક પણ પક્ષના ઉમેદવાર પર વિશ્વાસ મૂક્યો નથી. 236 ઉમેદવારોમાંથી કોઈ પસંદ ન પડતા 9119 લોકોએ નોટાનું બટન દબાવી નારાજગી વ્યક્ત કરી હતી. જોકે કોંગ્રેસે જ્યાં જીત મેળવી છે તે વોર્ડમાં નોટાનું બટન દબાવનારા ઓછા મતદારો હતા.

રાજકોટ મહાનગરપાલિકા વિસ્તારમાં નોંધાયેલા કુલ 9,85,952 મતદારોમાંથી આ વખતે કુલ 5,04,599 મતદારોએ પોતાના મતાધિકારનો ઉપયોગ કર્યો હતો. આ મતદાનમાં 2,84,987 પુરુષો અને 2,19,612 મહિલાઓએ ઉત્સાહપૂર્વક લોકશાહીના પર્વમાં ભાગ લીધો હતો. જોકે, આ આંકડાઓમાં એક ચોંકાવનારી વિગત એ સામે આવી છે કે કુલ 9119 મતદારોએ ચૂંટણી મેદાનમાં રહેલા તમામ 236 ઉમેદવારોને નકારી કાઢ્યા છે અને ‘નોટા’નું બટન દબાવ્યું છે. આ આંકડો સૂચવે છે કે મતદારોનો એક મોટો વર્ગ વર્તમાન રાજકીય સ્થિતિ અથવા ઉમેદવારોની પસંદગીથી સંતુષ્ટ નથી. ખાસ વોર્ડ નંબર 11 અને વોર્ડ નંબર 1માં મતદારોની નારાજગી સૌથી વધુ જોવા મળી છે, જ્યાં નોટામાં મોટા પ્રમાણમાં મતદાન થયું છે. તેનાથી વિપરીત, જ્યાં કોંગ્રેસનો વિજય થયો છે તેવા વોર્ડ નંબર 15 અને 16માં નોટાનો ઉપયોગ સૌથી ઓછો થયો હોવાનું સામે આવ્યું છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *