હોટલ શિવામાં ધમધમતા કૂટણખાનાનો પર્દાફાશ

રાજકોટ શહેરમાં વધુ એક વખત હોટેલમાં ચાલતાં કૂટણખાનાનો પર્દાફાશ થયો છે. ગોંડલ રોડ પર વિજય પ્લાઝા કોમ્પલેક્ષના બીજા માળે શીવા હોટેલમાં સંચાલક અને મેનેજર દ્વારા બહારની છોકરીઓ રાખી લોહીનો વેપલો કરાવાતો હોવાથી એ ડિવીઝન પોલીસે દરોડો પાડી બંને સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. ઉલ્લેખનીય છે કે, આરોપીઓ ઔરંગાબાદ, મુંબઇ, મેઘાલય અને ઉત્તરાખંડની લલનાઓ પૂરી પાડી ગ્રાહકો પાસેથી 2500 મેળવી 1000 લલનાને આપી બાકીના રૂ.1500 પોતે રાખતા હતાં.

પોલીસે ડમી ગ્રાહકોને મોકલી હોટેલમાં દરોડો પાડ્યો રાજકોટ શહેર એ-ડિવીઝન પોલીસને ચોક્કસ બાતમી મળી હતી કે ગોંડલ રોડ પર આવેલી શીવા હોટેલમાં દેહ વ્યાપારની પ્રવૃતિ ચાલે છે જેથી પોલીસે ડમી ગ્રાહકને મોકલી દરોડો પાડયો હતો. જેમાં પોલીસની ટીમ ડમી ગ્રાહક તરફથી મેસેજ મળતાં જ તુરંત રૂમ નં.105માં પહોંચી હતી. જેમાં યુવક-યુવતી કઢંગી હાલતમાં મળી આવ્યા હતાં, જે બાદ યુવતીની પુછપરછ કરતાં પોતે ઔરંગાબાદ મહારાષ્ટ્રની હોવાનું જણાવ્યું હતું તેમજ વધુમાં કબૂલાત આપતા જણાવ્યું હતું કે, હોટેલના માલિક નિશાંત રૂપારેલીયા અને મેનેજર નિલેષ આસવાણી ગ્રાહક દીઠ 2500 રૂપિયા વસૂલે છે, જેમાંથી 1000 મહિલાઓને આપે છે અને બાકીના પોતે રાખે છે આ ઉપરાંત એન્ટ્રી ફીના અલગથી રૂ.500 પણ વસુલવામાં આવે છે.

પોલીસે આરોપીઓની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી બીજા રૂમમાં ચેક કરતાં તેમાંથી ત્રણ યુવતીઓ મળી આવી હતી જે પોતે મુંબઇ, મેઘાલય અને ઉત્તરાખંડની વતની હોવાનું અને અહિ હોટેલ સંચાલક, મેનેજર તેની પાસે દેહવેપલો કરાવી ગ્રાહક દિઠ 1000 રૂપિયા આપે છે તેવી કબુલાત આપી હતી. પોલીસે હોટેલમાંથી મોબાઈલ ફોન, નિરોધના પેકેટ, રોકડા રૂપિયા, બંધ લેપટોપ સહિત રૂ.1,71,250નો મુદ્દામાલ કબ્જે કર્યો હતો. હાલ હોટેલના સંચાલક નિશાંત કિશોરભાઇ રૂપારેલીયા તથા મેનેજર નિલેષ ઇશ્વરલાલ આસવાણી વિરૂધ્ધ ઇમ્મોરલ ટ્રાફિક પ્રિવેન્શન એક્ટની કલમ હેઠળ ગુનો નોંધી ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે.

ઉલ્લેખનીય છે કે, હોટેલમાં તપાસ કરતા દારૂની એક બોટલ પણ મળી હતી જેમાં આશરે 200 મીલી જેટલો દારૂ હતો જેથી આ અંગે હોટેલ સંચાલક નિશાંત રૂપારેલીયા વિરૂધ્ધ પ્રોહીબીશન એક્ટ હેઠળ અલગથી ગુનો દાખલ કરવામાં આવ્યો હતો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *