અફઘાનિસ્તાને વનડે વર્લ્ડ કપ 2023માં પાકિસ્તાન પર 8 વિકેટે એકતરફી જીત નોંધાવી હતી. ચેન્નાઈના ચેપોક મેદાનમાં મેચ જોવા આવેલા દર્શકોએ અફઘાનિસ્તાનને ચિયર કર્યું હતું. મેચ જીત્યા બાદ અફઘાનિસ્તાનના ખેલાડીઓએ પોતાના દેશનો રાષ્ટ્રધ્વજ લઈને આખા મેદાનનો ચક્કર લગાવ્યો હતો. આ દરમિયાન કોમેન્ટેટર ઈરફાન પઠાણ લેગ સ્પિનર રાશિદ ખાન સાથે ડાન્સ કરતો જોવા મળ્યો હતો.
પાકિસ્તાને સમગ્ર મેચ દરમિયાન ખરાબ ફિલ્ડિંગ કરી હતી, ઇબ્રાહિમ ઝાદરાન DRS લેવાના કારણે બચી ગયો હતો.
અફઘાનિસ્તાનના ઓફ સ્પિનર મોહમ્મદ નબીએ પાકિસ્તાનના કેપ્ટન બાબર આઝમને ક્રિઝની અંદર રહેવાની વોર્નિંગ આપી હતી. નબી પ્રથમ દાવની 16મી ઓવર નાખવા આવ્યો હતો, આ ઓવરમાં બોલ નાખે તે પહેલા બાબર નોન-સ્ટ્રાઈકરના છેડે તેની ક્રિઝની બહાર નીકળી ગયો હતો. નબીને આ ગમ્યું નહીં, તેણે બોલ નાખ્યો નહીં અને બાબરને ક્રિઝમાં રહેવા વોર્નિંગ આપી હતી.
ક્રિકેટમાં નોન-સ્ટ્રાઈકરના અંતિમ ખેલાડીને બોલિંગ કરતી વખતે રન આઉટ કરવાનો નિયમ છે, જેને માંકડીંગ પણ કહેવાય છે. નબીએ બાબરને ચેતવણી આપી હતી કે જો તે પહેલા ક્રિઝમાંથી બહાર આવશે તો તે તેને પણ માંકડીંગ કરી દેશે.
બાબર અને નબી વચ્ચે 16મી ઓવરમાં હીટેડ મોમેંટ જોવા મળ્યા બાદ એક સુંદર મોમેંટ પણ જોવા મળી હતી. નબીની ઓવરમાં બાબર આઝમના જૂતાની દોરી ઢીલી પડી ગઈ હતી. તેણે બોલરને દોરી બાંધવા માટે પુછ્યું, નબી આવી પણ ગયો પરંતુ બાબરે નબીના સન્માનમાં તેને દોરી બાંધવાની ના પાડી. બાબર તરત જ બીજી તરફ વળ્યો અને તેના મોજા કાઢીને પોતાના જુતાની દોરી જાતે બાંધી લીધી. નબીએ પણ બાબરને દોરી બાંધવાનો આગ્રહ કર્યો ન હતો અને તેની પીઠ થપથપાવીને બોલિંગ કરવા ગયો હતો.