રાજકોટ સોનીબજારની જાણીતી હિંમત ગોલ્ડ પેઢી સાથે લાખોની ઠગાઈ આચરનાર નામચીન આરોપી લાલજી જોગરાણાને ક્રાઈમ બ્રાન્ચે દબોચી લીધો છે.
ગીરવે મૂકેલું સોનું વેચાણથી આપવાના બહાને ડુપ્લીકેટ ઘરેણાં ધાબડી દેનાર આ શખ્સ એક વર્ષથી પોલીસને થાપ આપી રહ્યો હતો. અંતે પોલીસે દબોચી લઇ જેલહવાલે કર્યો છે.
ક્રાઈમ બ્રાન્ચની એક્શન: બાતમી મળી ને લાલજી પકડાયો શહેરના ઉચ્ચ પોલીસ અધિકારીઓની સૂચનાથી ક્રાઈમ બ્રાન્ચ PSI એ.એન. પરમારની ટીમ વોચમાં હતી. દરમિયાન હેડ કોન્સ્ટેબલ મોહિલરાજસિંહ ગોહિલ, અર્જુનભાઈ ડવ અને ગોપાલભાઈ પાટીલને ચોક્કસ બાતમી મળી હતી કે આરોપી લીંબડીમાં છુપાયો છે.
આથી પોલીસે છાપો મારી લાલજી ખોડાભાઈ જોગરાણા (ઉ.વ. 41) ને લીંબડીના જીનપરા વિસ્તારમાંથી ઝડપી પાડ્યો. આરોપી વ્યાજખોરીના અન્ય એક ગુનામાં પણ વોન્ટેડ હતો. હાલ આરોપીને ગાંધીગ્રામ પોલીસના હવાલે કરી આગળની તપાસ તેજ કરવામાં આવી છે.