આગામી 26 એપ્રિલે રાજકોટ મહાપાલિકાની સામાન્ય ચૂંટણીનું મતદાન યોજાવા જઈ રહ્યું છે. લોકશાહીના આ મહાપર્વમાં શહેરનો એકપણ નાગરિક મતાધિકારથી વંચિત ન રહી જાય તે માટે મનપા તંત્ર દ્વારા અભૂતપૂર્વ તૈયારીઓ કરવામાં આવી છે. ખાસ કરીને મતદારો તેનું નામ યાદીમાં છે કે નહીં રે સહિતની વિગતો ઘરેબેઠા જ જાણી શકે તે માટે મનપાએ ખાસ ઓનલાઈન વ્યવસ્થા ગોઠવી છે. જેમાં એકમાત્ર ચૂંટણી કાર્ડનાં નંબરને આધારે આંગળીનાં ટેરવે જાણકારી મેળવી શકાશે.
આ માટે હાલ મનપા દ્વારા વિશેષ ડિજિટલ પોર્ટલ અને લિંક્સ કાર્યરત કરવામાં આવી છે. આ સાથે ખાનગી ક્ષેત્રના કર્મચારીઓ, રોજમદારો અને છુટક મજૂરો પણ મતદાન કરી શકે તેના માટે રજાની વિશેષ જોગવાઈ કરવા આદેશો આપવામાં આવ્યા છે.
ચૂંટણી કાર્ડના EPIC નંબર દાખલ કરીને મિનિટોમાં ખાતરી કરી શકશે પ્રાપ્ત વિગત મુજબ સામાન્ય રીતે મતદાનના દિવસે ઘણા નાગરિકોને એ ફરિયાદ હોય છે કે તેમનું નામ મતદાર યાદીમાં નથી અથવા તેમને ખબર નથી કે તેમનું નામ કયા મથક પર છે. આ સમસ્યાના કાયમી ઉકેલ માટે રાજકોટ મનપાની ચૂંટણી શાખાએ ઓનલાઈન વ્યવસ્થા ગોઠવી છે. 18 વર્ષથી વધુ વય ધરાવતા તમામ મતદારો રાજ્ય ચૂંટણી આયોગની વેબસાઈટ sec.gujarat.gov.in પર જઈને “Search Your Name” વિકલ્પ દ્વારા પોતાનું નામ શોધી શકશે.
જેમાં નાગરિકો તેની વિગતો અથવા ચૂંટણી કાર્ડના EPIC નંબર દાખલ કરીને મિનિટોમાં ખાતરી કરી શકશે. ઉપરાંત, રાજકોટ મહાપાલિકાની સત્તાવાર વેબસાઈટ www.rmc.gov.in પર પણ આ માટેની ડાયરેક્ટ લિંક મુકવામાં આવી છે. તંત્ર દ્વારા અપીલ પણ કરવામાં આવી છે કે મતદાન કરતા પહેલા તમારું નામ યાદીમાં છે કે નહીં તેની ખાતરી કરો, જેથી મતદાનના દિવસે કોઈ મુશ્કેલી ન સર્જાય.