અમેરિકામાં અત્યાર સુધીમાં માત્ર એક જ વ્યક્તિએ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પનો બહુચર્ચિત ‘ગોલ્ડ કાર્ડ’ વિઝા મેળવ્યો છે. ગોલ્ડ કાર્ડ વિઝામાં કોઈ વિદેશી 10 લાખ ડોલર (લગભગ 8.3 કરોડ રૂપિયા) આપીને અમેરિકામાં રહેવા અને કામ કરવાનો અધિકાર મેળવી શકે છે.
વાણિજ્ય સચિવ હાવર્ડ લુટનિકે સંસદીય સમિતિની સુનાવણીમાં આ માહિતી આપી હતી. આ આંકડો તેમની અગાઉની ઘોષણા કરતાં ઘણો ઓછો છે, જેમાં તેમણે કહ્યું હતું કે યોજના શરૂ થયાના થોડા જ દિવસોમાં લગભગ 10,800 કરોડ રૂપિયાના 1300 અરજીઓ વેચાઈ ચૂકી છે. લુટનિકે સુનાવણી દરમિયાન કહ્યું કે હાલમાં સેંકડો અરજીઓ પ્રક્રિયામાં છે.
ટ્રમ્પે ફેબ્રુઆરી, 2025માં ‘ગોલ્ડ કાર્ડ’ વિઝા પ્રોગ્રામ શરૂ કરવાની જાહેરાત કરી હતી. જોકે તે સમયે તેમણે તેની કિંમત 5 મિલિયન ડોલર (45 કરોડ રૂપિયા) રાખી હતી. સપ્ટેમ્બરમાં તેને ઘટાડીને 1 મિલિયન ડોલર કરી દેવામાં આવી હતી.
ટ્રમ્પનું કહેવું હતું કે આ અમેરિકા ફર્સ્ટ એજન્ડાનો એક ભાગ છે, જે ટોચની પ્રતિભાઓ (જેમ કે ભારત-ચીનથી ભણેલા વિદ્યાર્થીઓ) ને રોકવા અને કંપનીઓને અમેરિકા લાવવા માટે છે.