અમેરિકા-ઇઝરાયલ અને ઇરાન યુદ્ધને કારણે માર્ચમાં રસોઈ ગેસ (LPG) સપ્લાય પર મોટી અસર પડી છે. સત્તાવાર ડેટા અનુસાર, ગયા મહિને એટલે કે માર્ચમાં ઘરેલુ LPGના વપરાશમાં 13%નો મોટો ઘટાડો નોંધાયો હતો.
સપ્લાયમાં આવેલી આ કમીનું મુખ્ય કારણ સ્ટ્રેટ ઓફ હોર્મુઝ જળમાર્ગનું બંધ થવું અને ખાડી દેશોમાંથી સપ્લાય પ્રભાવિત થવું છે.
માર્ચમાં 2.379 મિલિયન ટન વપરાશ રહ્યો
પેટ્રોલિયમ મંત્રાલયના પેટ્રોલિયમ પ્લાનિંગ એન્ડ એનાલિસિસ સેલ (PPAC)ના આંકડા અનુસાર, માર્ચમાં LPGનો વપરાશ 2.379 મિલિયન ટન રહ્યો. આ ગયા વર્ષે આ જ સમયગાળામાં થયેલા 2.729 મિલિયન ટન વપરાશની સરખામણીમાં લગભગ 13% ઓછો છે.
ભલે માર્ચમાં વપરાશ ઓછો રહ્યો હોય, પરંતુ સમગ્ર નાણાકીય વર્ષ 2025-26માં LPGનો કુલ વપરાશ 6% વધીને 33.212 મિલિયન ટન રહ્યો છે. તેનું મુખ્ય કારણ સરકાર દ્વારા લાકડા અને અન્ય પ્રદૂષિત ઇંધણની જગ્યાએ સ્વચ્છ ઇંધણને પ્રોત્સાહન આપવાનું છે.
યુદ્ધને કારણે આયાતમાં અવરોધ
ભારત તેની LPG જરૂરિયાતનો લગભગ 60% હિસ્સો આયાત કરે છે. તેનો મોટો હિસ્સો સ્ટ્રેટ ઓફ હોર્મુઝના માર્ગે આવે છે. ઈરાન પર અમેરિકા અને ઈઝરાયલના હુમલાઓ અને તેહરાનની જવાબી કાર્યવાહી પછી આ માર્ગ અસરકારક રીતે બંધ થઈ ગયો છે.
સાઉદી અરેબિયા અને સંયુક્ત આરબ અમીરાત (UAE) થી થતી સપ્લાયમાં વિક્ષેપ પડ્યા પછી સરકારે ઘરેલું રસોઈની ઉપલબ્ધતા સુનિશ્ચિત કરવા માટે હોટલો અને ઉદ્યોગો જેવી કોમર્શિયલ સંસ્થાઓની સપ્લાયમાં કાપ મૂક્યો છે.