પંજાબ કિંગ્સે (PBKS) IPLમાં સતત પાંચમી જીત મેળવી છે. ટીમે રવિવારની બીજી મેચમાં લખનઉ સુપર જાયન્ટ્સ (LSG)ને 54 રનથી હરાવ્યું. દિવસની પહેલી મેચમાં કોલકાતા નાઈટ રાઈડર્સએ રાજસ્થાન રોયલ્સને 4 વિકેટથી હરાવ્યું હતું.
ન્યૂ ચંદીગઢના મુલ્લાનપુર સ્ટેડિયમમાં ટૉસ હારતા પહેલી બેટિંગ કરવા ઉતરેલી પંજાબની ટીમે 7 વિકેટ ગુમાવીને 254 રન બનાવ્યા હતા. આ સીઝનનો આ હાઇએસ્ટ સ્કોર રહ્યો છે. જવાબમાં લખનઉની ટીમ 20 ઓવરમાં 5 વિકેટ પર 200 રન જ બનાવી શકી હતી.
પ્રિયાંશ-કોનોલીએ 182 રન જોડ્યા
પ્રિયાંશ આર્યાના 93 અને કૂપર કોનોલીના 87 રનની મદદથી પંજાબ 250ને પાર પહોંચ્યું હતું. બંનેએ 80 બોલ પર 182 રનની ભાગીદારી કરી હતી. પંજાબે 3 રનના સ્કોર પર પ્રભસિમરન સિંહની વિકેટ ગુમાવી દીધી હતી. ત્યાંથી પ્રિયાંશ અને કોનોલીએ સદીની ભાગીદારી નોંધાવી હતી.