રાજકોટમાં નંબર પ્લેટ વગરની થારમાં આવી પૂર્વ પતિએ પત્નીને ધમકાવી, શેરી વચ્ચે બેફામ ગાળાગાળી કરી

રાજકોટના ગાંધીગ્રામ પોલીસ સ્ટેશન વિસ્તારમાં એક ચોંકાવનારી ઘટના સામે આવી છે, જેમાં છૂટાછેડા લીધા હોવા છતાં એક પૂર્વ પતિએ તેની પત્નીને બળજબરીથી પોતાની સાથે રહેવા મજબૂર કરી જાનથી મારી નાખવાની ધમકી આપી છે. શીતલ પાર્ક વિસ્તારમાં રહેતી મહિલાના ઘરે તેનો પૂર્વ પતિ અલ્તાફ ખિયાણી નંબર પ્લેટ વગરની કાળા રંગની થાર ગાડી લઈને પહોંચ્યો હતો અને શેરી વચ્ચે બેફામ ગાળાગાળી કરી હોબાળો મચાવ્યો હતો.

આરોપીએ મહિલાને ધમકાવતા કહ્યું હતું કે, “જો તું મારી સાથે પાછી નહીં રહે, તો તારા મા-બાપ અને બાળકોને મારી નાખીશ.” આ મામલે પીડિત મહિલાએ ફરિયાદ નોંધાવતા પોલીસે સીસીટીવી ફૂટેજના આધારે વધુ તપાસ હાથ ધરી છે.

ફરિયાદી મહિલાના જણાવ્યા અનુસાર, વર્ષ 2015માં તેના પ્રથમ લગ્ન થયા હતા, જેનાથી તેને બે સંતાનો છે. 2023માં પ્રથમ પતિ સાથે છૂટાછેડા થયા બાદ તેણે ફેબ્રુઆરી 2025માં અલ્તાફ ખિયાણી સાથે પ્રેમ લગ્ન કર્યા હતા. જોકે, લગ્નના છ મહિનામાં જ મનમેળ ન બેસતા અને અવારનવાર ઝઘડા થતા હોવાથી બંનેએ કાયદેસર રીતે છૂટાછેડા લીધા હતા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *