રાજકોટ સિવિલમાં દરરોજ 3000થી વધુ દર્દીઓની સારવાર

રાજકોટની સિવિલ હોસ્પિટલ સૌરાષ્ટ્ર- કચ્છના દર્દીઓ માટે આશીર્વાદ સમાન સાબિત થઈ રહી છે. અત્યાધુનિક સુવિધાઓ અને નિષ્ણાત તબીબોના માર્ગદર્શન હેઠળ અહીં ગરીબ અને મધ્યમ વર્ગના દર્દીઓને ઉચ્ચ કક્ષાની સારવાર વિનામૂલ્યે ઉપલબ્ધ બની છે. વર્ષ 2025-26ના આંકડાઓ દર્શાવે છે કે, સરકાર દ્વારા જનતાના સ્વાસ્થ્ય પાછળ કરોડો રૂપિયાનો ખર્ચ કરી રહી છે. સિવિલ સર્જન મોનાલીબેન માકડીયાના નેતૃત્વમાં હોસ્પિટલનું તંત્ર ઘણું સારી રીતે ચાલી રહ્યું છે, જેમાં દરરોજ 3000 થી વધુ દર્દીઓ ઓપીડીમાં સારવાર લેવા આવે છે.

હોસ્પિટલના વહીવટી તંત્ર દ્વારા જાહેર કરાયેલા આંકડા મુજબ, વર્ષ 2025-26માં કાયમી કર્મચારીઓના પગાર પાછળ જ રૂ.89.09 કરોડ ફાળવવામાં આવ્યા છે. જો આઉટસોર્સિંગ સ્ટાફના પગારનો સમાવેશ કરવામાં આવે તો આ રકમ અંદાજે રૂ. 100 કરોડ સુધી પહોંચે છે. ઉપરાંત, હોસ્પિટલની વહીવટી કામગીરી અને કચેરીના અન્ય ખર્ચાઓ માટે 18.41 કરોડનું આયોજન કરવામાં આવ્યું હતું. હોસ્પિટલના રોજિંદા સંચાલન માટે જરૂરી અન્ય સેવાઓ જેવી કે મટિરિયલ્સ સપ્લાય, દર્દીઓ માટેનો ખોરાક, અને ટેકનિકલ મેન્ટેનન્સ (AMC/CMC) પાછળ કુલ 63.60 કરોડનો ખર્ચ કરવામાં આવ્યો છે.

આ રીતે છેલ્લા એક વર્ષમાં સિવિલ હોસ્પિટલનાં સંચાલન પાછળ કુલ રૂ. 171 કરોડનો ખર્ચ કરવામાં આવ્યો છે. અહીં જટિલ ઓપરેશનો પણ સફળતાપૂર્વક થતા હોવાથી દર્દીઓને ખાનગી હોસ્પિટલોમાં લાખો રૂપિયાનો ખર્ચ કરવાથી રાહત મળી રહી છે. જેને લઈને ભૌતિક અને આંતરમાળખાકીય વિકાસ પાછળ થયેલું આ કરોડોનું રોકાણ છેવાડાના માનવી માટે આરોગ્ય કવચ પૂરું પાડી રહ્યું છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *