રાજકોટ શહેર મહિલા કોંગ્રેસના પૂર્વ પ્રમુખ મનીષાબા વાળા અને ભાજપ ઉમેદવાર રક્ષિત કલોલાના સમર્થકો વચ્ચે બોલાચાલી થઇ હોવાના દ્રશ્યો સામે આવ્યા છે. કોંગ્રેસ દ્વારા ભાજપના વોર્ડ-11ના ઉમેદવાર રક્ષિત કલોલાનું ફોર્મ રદ્દ કરાવવા મામલે રજુઆત કરવામાં આવી હતી. જોકે, ફોર્મ યોગ્ય હોવાનું ચૂંટણી અધિકારીએ જાહેર કરતા ભાજપના ઉમેદવારના સમર્થકો દ્વારા નારા લગાવવામાં આવતા મનીષાબા વાળા અને રક્ષિત કલોલાના સમર્થકો વચ્ચે ઉગ્ર બોલાચાલી થવા પામી હતી.
રાજકોટ મહાનગરપાલિકાની ચૂંટણીમાં ઉમેદવારોની ફોર્મ ચકાસણીનો આજે અંતિમ દિવસ છે ત્યારે કોંગ્રેસ દ્વારા વોર્ડ નંબર 11 અને વોર્ડ નંબર 14ના ભાજપના ઉમેદવારોના ફોર્મમાં વિસંગતતા હોવાના આક્ષેપ સાથે ફોર્મ રદ કરવા માંગ કરી હતી. જોકે, ચૂંટણી અધિકારી દ્વારા બંને ફોર્મની ઊંડાણપૂર્વક ચકાસણી કરી કોંગ્રેસના આક્ષેપ સાથેના તમામ મુદ્દાઓની વિગતવાર ચકાસણી કરતા આક્ષેપોમાં તથ્ય ન જણાતા બંનેના ફોર્મ માન્ય રાખવામાં આવ્યા હતા.
આ પછી ભાજપના ઉમેદવારે કોંગ્રેસ હાર ભાળી ગઈ હોવાથી ખોટા વાંધાઓ ઉભા કરતી હોવાનું જણાવ્યું હતું અને જનતા ભાજપ સાથે છે માટે કોંગ્રેસને જાકારો મળવાનો છે માટે ભાજપની જીત નિશ્ચિત હોવાનો દાવો કરવામાં આવ્યો હતો.
18 વોર્ડમાં 243 ફોર્મ માન્ય અને 311 ફોર્મ અમાન્ય રખાયા રાજકોટ મહાનગરપાલિકાની ચૂંટણીને લઇ 18 વોર્ડમાં કુલ 554 ફોર્મ ભરવામાં આવ્યા હતા. જે પૈકી 243 ફોર્મ માન્ય રાખવામાં આવ્યા છે અને 311 ફોર્મ અમાન્ય રાખવામાં આવ્યા છે. માન્ય રાખવામાં આવેલા 243 પૈકી ભાજપ-કોંગ્રેસના 72-72 જયારે આમ આદમી પાર્ટીના 70 બસપાના 10 અને અપક્ષના 19 ફોર્મ માન્ય રાખવામાં આવ્યા છે.