પશ્ચિમ રેલવેના રાજકોટ ડિવિઝનના ટ્રેક્શન ડિસ્ટ્રિબ્યૂશન (TrD) વિભાગે આધુનિકીકરણ તરફ હરણફાળ ભરી છે. રેલવે તંત્ર દ્વારા વર્ષ 2025-26 દરમિયાન પાયાના માળખામાં કરેલા મહત્ત્વના ફેરફારોને કારણે હવે મુસાફર ટ્રેન અને માલગાડીઓના સંચાલનમાં મોટી ક્રાંતિ જોવા મળશે.
ખાસ કરીને વીજ પુરવઠાની ખાતરી મળતા હવે ટ્રેન વચગાળે અટકી પડવાની કે ગતિ ધીમી પડવાની સમસ્યાઓનો કાયમી ઉકેલ આવી ગયો છે.
રાજકોટ ડિવિઝનમાં બે નવા ટ્રેક્શન સબ-સ્ટેશન શરૂ થતા હવે ટ્રેન પવનવેગે દોડશે. વોલ્ટેજ ડ્રોપની સમસ્યા ભૂતકાળ બનશે, વાંકાનેર અને ગોરિંજામાં TSS કાર્યરત થતા બ્રેકડાઉનમાં ઘટાડો થશે. ટ્રેનની અવરજવર વધુ ઝડપી બનશે. સિનિયર ડિવિઝનલ કોમર્શિયલ મેનેજર સુનિલ કુમાર મીનાએ માહિતી આપતા જણાવ્યું હતું કે, ડિવિઝન દ્વારા વાંકાનેર અને ગોરિંજામાં બે નવા ટ્રેક્શન સબ-સ્ટેશન (TSS) સફળતાપૂર્વક શરૂ કરવામાં આવ્યા છે.
આ નવા સબ-સ્ટેશનો કાર્યરત થવાથી વિવિધ રેલવે સેક્શનમાં જોવા મળતી વોલ્ટેજ વધ-ઘટની સમસ્યા સંપૂર્ણપણે દૂર થઈ છે. ટ્રેન માટે હવે અવિરત અને હાઈ-વોલ્ટેજ વીજપુરવઠો સુનિશ્ચિત થયો છે, જે ટ્રેનની ગતિ જાળવી રાખવામાં મદદરૂપ થશે.