ઈરાન પાસેથી 7 વર્ષ પછી ક્રૂડ ઓઈલ ખરીદી રહ્યું છે

મિડલ ઈસ્ટમાં ચાલી રહેલા સંઘર્ષ વચ્ચે ભારતે 7 વર્ષ પછી ઈરાન પાસેથી ફરીથી ઓઈલ ખરીદવાનું શરૂ કર્યું છે. શિપિંગ ડેટા અનુસાર, ‘જયા’ નામનું ટેન્કર ઈરાની ક્રૂડ લઈને ભારતના પૂર્વીય કિનારા તરફ આવી રહ્યું છે.

આ ટેન્કર પહેલા ગુજરાતના વાડીનાર બંદર તરફ આવી રહ્યું હતું. તેમાં લગભગ 6 લાખ બેરલ ક્રૂડ ઓઈલ ભરેલું હતું. પરંતુ પછી તે ચીન તરફ વળી ગયું. ત્યારે કહેવામાં આવ્યું હતું કે પેમેન્ટની સમસ્યાને કારણે તે ભારતને બદલે ચીન જઈ રહ્યું છે. ઓઈલ મંત્રાલયે તે અહેવાલોને ખોટા ગણાવ્યા હતા.

જોકે, હવે તે ફરીથી ભારત તરફ વળી ગયું છે. હાલમાં તેનું સ્થાન મલેશિયા નજીક છે. એવું માનવામાં આવે છે કે આ સપ્તાહના અંત સુધીમાં તે ભારતના પૂર્વીય કિનારે પહોંચી જશે.

2018 સુધી ભારત ઇરાન પાસેથી મોટા પ્રમાણમાં સસ્તું ઓઈલ ખરીદતું હતું. તે સમયે ભારત દરરોજ લગભગ 5.18 લાખ બેરલ ઇરાની ઓઈલ આયાત કરતું હતું, જે કુલ આયાતના લગભગ 11.5% હતું. પરંતુ અમેરિકી પ્રતિબંધો પછી ભારતે ઇરાન પાસેથી ઓઈલ ખરીદવાનું બંધ કરી દીધું અને અન્ય દેશો પાસેથી સપ્લાય વધારી દીધી.

તાજેતરમાં અમેરિકાએ 30 દિવસની મર્યાદિત છૂટ આપી છે, જેના હેઠળ સમુદ્રમાં ઇરાની ઓઈલ ખરીદવાની મંજૂરી છે. આ છૂટ 19 એપ્રિલ સુધી લાગુ છે. મંત્રાલયના જણાવ્યા અનુસાર, મિડલ ઇસ્ટમાં સપ્લાય ખોરવાઈ જવા છતાં ભારતીય રિફાઇનરોએ 40 થી વધુ દેશો પાસેથી ક્રૂડ ઓઈલ ખરીદ્યું છે અને પેમેન્ટની કોઈ મુશ્કેલી નથી.

પશ્ચિમ એશિયામાં ચાલી રહેલા સંઘર્ષ પછી ઓઈલની કિંમતોમાં ભારે ઉછાળો આવ્યો હતો. તેનાથી ઘણા દેશો પર અસર પડી. સાથે જ ભારતીય ઓઈલ કંપનીઓને પણ નુકસાન થયું હતું. પરંતુ હવે ઇરાન પાસેથી સસ્તું ઓઈલ મળવાથી ભારતીય ઓઇલ કંપનીઓને રાહત મળી શકે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *