રાજકોટના કોઠારીયા રોડ પર શુભ મંગલપાર્કમાં રહેતા રચનાબેન રામજીભાઈ ડોલરીયા (ઉં.વ.21)એ આજીડેમ પોલીસ સ્ટેશનમાં નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું હતું કે, ગત તા.6 એપ્રિલ, 2026ના રોજ સવારે 9.30 વાગ્યા આસપાસ ઘરેથી ચાલીને નોકરીએ જતી હતી. ત્યારે શેરીની બહાર પહોંચતા પાછળથી મોટરસાયકલ પર અજાણ્યા શખસે આવીને હાથમાંથી રૂ.7 હજારની કિંમતનો મોબાઇલ આંચકી લીધો હતો. બાઈકની પાછળ દોટ મુકતા ચાલકે ઝડપથી બાઈક ચલાવી નાસી ગયો હતો.
ઘરે આવી માતાને બનાવની જાણ કરતા આ અંગે આસપાસ તપાસ કરી હતી અને આજીડેમ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. પોલીસે સીસીટીવી ફૂટેજના આધારે તપાસ હાથ ધરી ચોક્કસ બાતમીના આધારે રણુજા મંદીરની સામે લાપાસરી ગામ જતા રોડ ઉપરથી આરોપી ધર્મેશ દરશરથ પરમાર (ઉ.વ.31) ને ચિલઝડપ કરેલ મોબાઇલ સાથે પકડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
રાજકોટમાંથી મેફેડ્રોન ડ્રગ્સના જથ્થા સાથે કુખ્યાત પેડલર બેલડી ઝડપાઈ રાજકોટ SOG પોલીસને ચોક્કસ બાતમી મળી હતી કે, પંચાયત ચોક પાસે અવધ-2 એપાર્ટમેન્ટ નજીક રોડ પર ઉપર બે શખ્સો જાહેરમાં માદક પદાર્થ મેફેડ્રોનના જથ્થા સાથે ઉભા છે જેના આધારે દરોડો પાડી ત્યાં હાજર બંને શખ્સોને પકડી તેનું નામ પૂછતા મૌલિક અશોક જેઠવા (ઉ.વ.28) અને મયુર ઉર્ફે લાલુ ઉર્ફે મેક્ષ દીલીપ જાડા (ઉ.વ.28) હોવાનું જણાવ્યું હતું.
પોલીસે બંને શખ્સોની જડતી લેતાં તેમની પાસેથી 1.21 લાખનો માદક પદાર્થ મેફેડ્રોન 40.420 ગ્રામ જથ્થો મળી આવતાં બંને શખ્સોની ધરપકડ કરી એમડી ડ્રગ્સ, બાઈક સહિત રૂ.2.21 લાખનો મુદામાલ કબ્જે કરી યુનિવર્સીટી પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ કર્યો હતો.