IPLમાં ચેન્નઈ સુપર કિંગ્સ (CSK)ની સતત ત્રીજી હાર થઈ છે. ચિન્નાસ્વામી સ્ટેડિયમમાં હોમ ટીમ રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ (RCB)એ તેમને 43 રનથી હરાવ્યું. રવિવારની બીજી મેચમાં ટૉસ હારતા પ્રથમ બેટિંગ કરવા ઉતરેલી RCBએ 250 રન બનાવ્યા હતા, જે આ સીઝનનો સર્વશ્રેષ્ઠ સ્કોર છે. જેની સામે CSK 207 રન જ બનાવી શકી હતી.
RCB માટે ટિમ ડેવિડે 25 બોલમાં 8 સિક્સર ફટકારીને 70 રન બનાવ્યા. કેપ્ટન રજત પાટીદારે 48, ફિલ સોલ્ટે 46, વિરાટ કોહલીએ 28 અને દેવદત્ત પડિકલે 50 રનનું યોગદાન આપ્યું હતું. ભુવનેશ્વર કુમારે 3 વિકેટ ઝડપી હતી, જ્યારે જેકબ ડફી અને કૃણાલ પંડ્યાને 2-2 વિકેટ મળી હતી. આ સાથે જ ભુવીએ IPLમાં પોતાની 200 વિકેટ પૂરી કરી લીધી છે.
CSK તરફથી પ્રશાંત વીરે 43 અને જેમી ઓવરટને 37 રન બનાવ્યા હતા. બોલિંગમાં ઓવર્ટન, અંશુલ કંબોજ અને શિવમ દુબેને 1-1 વિકેટ મળી હતી. ચેન્નઈની ટીમ આ પહેલાં રાજસ્થાન રોયલ્સ અને પંજાબ કિંગ્સ સામે પણ હારી ચૂકી છે. બીજી તરફ, બેંગલુરુએ તેની પહેલી મેચમાં સનરાઇઝર્સ હૈદરાબાદને હરાવ્યું હતું.