પાકિસ્તાનના સંરક્ષણ પ્રધાન ખ્વાજા આસિફે શનિવારે સિયાલકોટમાં પત્રકારો સાથે વાત કરતા ભારતને ધમકી આપી છે. તેમણે કહ્યું કે જો ભારત કોઈ ફોલ્સ ફ્લેગ ઓપરેશન (છુપાઈને હુમલો) કરશે, તો આ વખતે સંઘર્ષ માત્ર સરહદ સુધી સીમિત નહીં રહે, પરંતુ કોલકાતા સુધી પહોંચી શકે છે.
ખ્વાજા આસિફે દાવો કર્યો કે ભારત પોતાના લોકો અથવા કસ્ટડીમાં બંધ પાકિસ્તાનીઓનો ઉપયોગ કરીને ખોટો ડ્રામા રચવાની યોજના બનાવી રહ્યું છે. ગયા વર્ષની જેમ આ વખતે ભારતને વધુ શરમનો સામનો કરવો પડશે.
આસિફે આગળ એ પણ કહ્યું કે મૃતદેહોને ક્યાંક રાખીને પાકિસ્તાન પર આતંકવાદનો આરોપ લગાવી શકાય છે, પરંતુ તેમણે (ભારતે) આ દાવા માટે કોઈ પુરાવો આપ્યો નથી.
ખ્વાજા આસિફના આ નિવેદન પર ભારત તરફથી હજુ સુધી કોઈ સત્તાવાર પ્રતિક્રિયા આવી નથી. જોકે, ભારતના સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહે કેરળમાં એક કાર્યક્રમમાં પાકિસ્તાનને સ્પષ્ટ ચેતવણી આપી હતી.
તેમણે કહ્યું હતું કે જો પાકિસ્તાન ફરી કોઈ ખોટું પગલું ભરશે તો ભારતીય સેના નિર્ણાયક જવાબ આપશે. ઓપરેશન સિંદૂર હજુ પૂરું થયું નથી અને જો પાકિસ્તાને ફરીથી ગંદી રમત રમી તો ભારતીય સૈનિકો એવો જવાબ આપશે જે તેઓ ક્યારેય ભૂલી શકશે નહીં.