દેશભરના સાયબર ઠગાઈના કરોડો રૂપિયા ધોળા કરવાના હબ બનેલા રાજકોટના મ્યુલ અકાઉન્ટ કૌભાંડમાં પોલીસે વધુ એક ધરપકડ કરી છે. 1500 કરોડના શંકાસ્પદ વ્યવહારોની આંટીઘૂંટી ઉકેલવા હવે પરંપરાગત પોલીસ તપાસને બદલે પ્રોફેશનલ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ્સની મદદ લેવામાં આવી રહી છે, જે નાણાકીય સ્ત્રોતનું વર્ગીકરણ કરશે.
સાવરકુંડલાનો મનીષ ચોલેરા ઝડપાયો રાજકોટ ગ્રામ્ય પોલીસે ‘ઓપરેશન મ્યુલ હન્ટ’ અંતર્ગત સાવરકુંડલાના મનીષ ખોડીદાસ ચોલેરાની ધરપકડ કરી છે. કોર્ટે આરોપીના 6 તારીખ સુધીના રિમાન્ડ મંજૂર કર્યા છે. આ સાથે જ કુલ આરોપીઓની સંખ્યા 16 પર પહોંચી છે, જેમાંથી 15 આરોપીઓ હાલ જેલના સળિયા પાછળ છે. મુખ્ય સૂત્રધાર આદિલુદ્દીન સાથે મળીને આ નેટવર્ક હજુ કેટલા ઊંડા મૂળ ધરાવે છે તેની તપાસ તેજ બની છે. હાલ આ બનાવની વધુ તપાસ એસ.પી. વિજયસિંહ ગુર્જરના માર્ગદર્શન હેઠળ રવિ ગોધમ અને તેમની ટીમ ચલાવી રહી છે.
માસ્ટર સ્ટ્રોક : તપાસ હવે ‘સ્ટેથોસ્કોપ’ નહીં, ‘કેલ્ક્યુલેટર’ના હાથે! રાજકોટ જિલ્લા પોલીસ વડા વિજયસિંહ ગુર્જરે આ કેસમાં ક્રાંતિકારી નિર્ણય લીધો છે. 1500 કરોડના ટ્રાન્ઝેક્શનમાં કયા પૈસા કૌભાંડના છે તે શોધવા સરકારે આખી ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ (CA) ફર્મને કામે લગાડી છે.