રાજકોટ શહેરના પાંજરાપોળ પાસે રહેતા અને ચાંદી કામ કરીને પરિવારનું ગુજરાન ચલાવતા 32 વર્ષીય યુવકે પોતાના ઘરે પંખા સાથે ચુંદડી બાંધી ગળેફાંસો ખાઈ જીવન ટૂંકાવવાનો પ્રયાસ કર્યો હતો. આ દરમિયાન તેમની દીકરીએ પિતાને ગળેફાંસો ખાધેલી હાલતમાં જોઈ બૂમો પાડતા પત્ની અને આસપાસના પાડોશીઓ દોડી આવ્યા હતા.જેથી નીચે ઉતારી તાત્કાલિક 108 મારફત સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા.પ્રાથમિક તપાસમાં યુવકને પત્ની સાથે કોઈ બાબતે ઉગ્ર ઝઘડો થયો હતો.આ બોલાચાલી બાદ આવેશમાં આવી તેમણે અંતિમ પગલું ભરવાનું નક્કી કર્યું હતું અને રૂમમાં જઈ પંખાના હૂક સાથે ગાળિયો બનાવી લટકી ગયા હતા. હાલ પોલીસે નિવેદન નોંધી જરૂરી કાર્યવાહી હાથ ધરી છે.
પત્ની અન્ય શખસ સાથે ભાગી જતા યુવકે આપઘાતનો પ્રયાસ કર્યો
જૂનાગઢના 22 વર્ષીય યુવકે ગઈકાલે રાત્રે 3.30 વાગ્યા આસપાસ રાજકોટમાં પુનિતનગર પાસે ઝેરી દવા પી જતા સિવિલ હોસ્પિટલમાં બેભાન હાલતમાં દાખલ કરવામાં આવ્યો હતો. બનાવ અંગે પોલીસને યુવકે જણાવ્યું કે, પત્ની સાથે બીજા લગ્ન છે. જેને આગલા ઘરના દીકરો અને દીકરી છે. જ્યારે અમારા લગ્ન જીવનથી 2 દીકરા છે. હાલ ચારેય સંતાન મારી સાથે રહે છે. મારે જૂનાગઢમાં ચાની હોટલ અને ગાદલાની દુકાન છે. મારી પત્ની અવાર નવાર ઘરેથી ચાલી જતી પણ પાછી આવી જતી.
જોકે 4 મહિના પહેલા તે ઘરેથી ગઈ પછી પાછી આવી ન હતી. હું તેને શોધતો હતો. દરમ્યાન મને ઇન્સ્ટાગ્રામ રિલ્સમાં કોઈ યુવક સાથે જોવા મળી. જેમાં મારી પત્ની દ્વારકામાં હતા તેવા ફોટા હતા. મેં યુવકનો કોન્ટેક કર્યો તો યુવકે ફોન પર જણાવ્યું કે બંને ખાલી ફ્રેન્ડ છે.