રાજકોટ શહેરમાં વધુ એક ચોરીની ઘટના સામે આવી છે જેમાં શહેરના આજીડેમ પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલ સત્યમ પાર્ક સોસાયટીમાં રહેતા સાબુના ધંધાર્થી પોતાના કામ અર્થે બહાર ગયા હતા અને પત્ની પોતાનું ઘર ખુલ્લું મૂકી પાડોશમાં બેસવા ગયા હતા દરમિયાન ઘરમાં રહેલા 10.80 લાખના દાગીનાની ચોરી થતા બનાવ અંગે ફરિયાદ નોંધાવતા આજી ડેમ પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી ગણતરીની કલાકોમાં જ ગુનાનો ભેદ ઉકેલી 13 વર્ષીય સગીરાને ઝડપી પાડી ચોરાઉ મુદામાલ વેચવા જાય એ પહેલા જ તમામ મુદામાલ રિકવર કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
રાજકોટમાં રોલક્ષ રોડ પર સરદાર ચોક પાછળ સત્યમપાર્ક શેરી નંબર 2માં રહેતાં ઘનશ્યામભાઈ અરવિંદભાઈ ડોબરીયા (ઉ.વ.37)એ નોંધાવેલ ફરીયાદમાં જણાવ્યું હતું કે, તેઓ રાજકોટમા અલગ અલગ જગ્યાએ ગાડીની ફેરી કરી સાબુનો વેપાર કરે છે. ગઈ તા.01.04.2026ના રોજ બપોરના 3 વાગ્યા આસપાસ તેઓ સાબુનો વેપાર કરવા માટે ગયા હતા અને સાંજે 7 વાગ્યે ઘરે આવ્યા ત્યારે પત્ની પારૂલબેને જણાવ્યું કે, હુ આપણી શેરીમાં બપોરના 4થી સાંજના 6 વાગ્યા સુધી બેઠી હતી ત્યારે આપણા ઘરના દરવાજા ખુલ્લા હતા અને હુ બહારથી આપણા ઘરમાં આવી ત્યારે દિવાલના ખુલ્લા કબાટમાં પડેલ પર્સ જોવા મળ્યું ન હતું જેમાં મારા ઘરેણાં હતા.