ભારત જતું એક ઈરાની ક્રૂડ ઓઈલ ટેન્કર અચાનક રસ્તો બદલીને ચીન તરફ આગળ વધ્યું. આ ટેન્કર લગભગ સાત વર્ષમાં ભારત પહોંચનાર પ્રથમ ઈરાની ઓઈલ જહાજ હતું અને ગુજરાતના વાડીનાર બંદર તરફ જઈ રહ્યું હતું. તે આશરે 6,00,000 બેરલ ક્રૂડ ઓઈલ લઈ જઈ રહ્યું હતું.
શિપ ટ્રેકિંગ ડેટા અનુસાર, જહાજ છેલ્લા ત્રણ દિવસથી ભારત તરફ જઈ રહ્યું હતું, પરંતુ ગુજરાત પહોંચતા પહેલા જ તેણે રસ્તો બદલી નાખ્યો અને હવે ચીનના ડોંગયિંગ તરફ જઈ રહ્યું છે.
નિષ્ણાતો માને છે કે પેમેન્ટની સમસ્યાઓ આ પાછળનું કારણ હોઈ શકે છે. કેપ્લરના મુખ્ય રિસર્ચ એનાલિસ્ટ સુમિત રિટોલિયાના જણાવ્યા અનુસાર, સપ્લાયર્સ અગાઉ 30 થી 60 દિવસની ક્રેડિટ ઓફર કરતા હતા, પરંતુ હવે તેઓ એડવાન્સ અથવા તાત્કાલિક ચુકવણીની માંગ કરી રહ્યા છે. આ કારણે સોદો અટકી ગયો અને ટેન્કરે તેનો રૂટ બદલી નાખ્યો.
જો કે, જહાજનું AIS (ટ્રેકિંગ સિસ્ટમ) ગમે ત્યારે બદલી શકાય છે. જો પેમેન્ટની સમસ્યાઓ ઉકેલાઈ જાય, તો ટેન્કર ભારત પરત ફરી શકે છે. નયારા એનર્જી પાસે વાડીનાર બંદર પર લગભગ 20 મિલિયન ટનની ક્ષમતા ધરાવતી રિફાઇનરી છે, જ્યાં ટેન્કર આવવાની સંભાવના હતી.
નોંધનીય છે કે 2018 સુધી ભારત ઈરાન પાસેથી મોટા પ્રમાણમાં સસ્તું ઓઈલ ખરીદતું હતું. તે સમયે ભારત દરરોજ આશરે 5,18,000 બેરલ ઈરાની ઓઈલ આયાત કરતું હતું, જે તેની કુલ આયાતના આશરે 11.5% હતું. જોકે, યુએસ પ્રતિબંધો બાદ, ભારતે ઈરાન પાસેથી તેલ ખરીદવાનું બંધ કરી દીધું અને અન્ય દેશો પાસેથી પુરવઠો વધાર્યો.