ડબલ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય થવાથી હળવા ઝાપટાંની વકી

રાજ્યમાં એક પછી એક સક્રિય થતા વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને કારણે ઉનાળાની ગરમી પર બ્રેક લાગી છે. રાજસ્થાન નજીક અપર એર સાયક્લોનિક સરક્યુલેશન અને ટ્રફ સક્રિય થતા ગુરુવારે રાજકોટના વાતાવરણમાં અચાનક પલટો આવ્યો હતો. શહેરમાં 15થી 25 કિમીની ઝડપે પવન ફૂંકાતા ધૂળની ડમરીઓ ઉડી હતી. મહત્તમ તાપમાન 35.3 ડિગ્રી નોંધાયું હતું, જે સામાન્ય કરતા ઓછું છે.

હવામાન નિષ્ણાતના જણાવ્યા મુજબ, 4 એપ્રિલે વધુ એક મજબૂત વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય થવાથી 5 એપ્રિલે રાજકોટમાં વાદળછાયા વાતાવરણ વચ્ચે ઝાપટાં પડી શકે છે. ઉત્તર ગુજરાતમાં હળવાથી મધ્યમ વરસાદની શક્યતા છે. મધ્ય એશિયાની ઠંડી હવા અને અરબી સમુદ્રનો ભેજ ભેગા થવાથી આ વરસાદી માહોલ સર્જાયો છે.

સતત વેસ્ટર્ન ડિસ્ટર્બન્સથી આ વખતે માર્ચમાં ગરમીનો પારો 40 ડિગ્રીને બદલે 36થી 37 ડિગ્રી વચ્ચે જ રહ્યો સામાન્ય રીતે માર્ચ અંતે તાપમાન 40 ડિગ્રી સુધી પહોંચે છે, પરંતુ આ વર્ષે સતત વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને કારણે પારો 37 ડિગ્રીની આસપાસ જ અટક્યો છે. વાદળછાયું વાતાવરણ અને ભેજ વધવાથી ગરમી ઓછી લાગે છે, જેને હવામાન વિજ્ઞાનની ભાષામાં ‘ડીલે સમર પેટર્ન’ કહેવામાં આવે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *