બોલિવૂડ એક્ટર સલમાન ખાનની નવી ફિલ્મની જાહેરાત થઈ ગઈ છે. આ વખતે તે સાઉથના ફિલ્મમેકર વામશી પેડિપલ્લી અને પ્રોડ્યુસર દિલ રાજુ સાથે કામ કરશે. સોમવારે સલમાન ખાન અને પ્રોડક્શન હાઉસ ‘શ્રી વેંકટેશ્વર ક્રિએશન્સ’એ સોશિયલ મીડિયા પર પ્રોજેક્ટની જાહેરાત કરી.
સાઉથ ફિલ્મમેકર સાથે બોલિવૂડના ‘દબંગ’નું કોલબ્રેશન
આ એક હાઈ-ઓક્ટેન એક્શન ડ્રામા છે, જેનું શૂટિંગ એપ્રિલથી શરૂ થશે. સલમાને વામશી પેડિપલ્લી સાથે ફોટો શેર કરીને લખ્યું, ‘દિલ, દિમાગ, જિગરથી એપ્રિલથી વામશી પેડિપલ્લી અને દિલ રાજુ સાથે.’ ફિલ્મનું અસ્થાયી નામ SVC63 છે.
SVC63 એક મોટા બજેટની એક્શન થ્રિલર છે, જેનું મોટા પાયે નિર્માણ થઈ રહ્યું છે. તેમાં હિન્દી અને દક્ષિણ ભારતીય ઇન્ડસ્ટ્રીના કલાકારો સામેલ હશે. જણાવવામાં આવ્યું છે કે, આ ફિલ્મ સલમાન ખાનને પડદા પર એક એવા અવતારમાં રજૂ કરશે, જેવો તેના ચાહકોએ આ પહેલા ક્યારેય જોયો નહીં હોય.