રાજકોટમાં સોપાન હાઈટ્સ બિલ્ડિંગના સ્વિમિંગ પૂલમાં ડૂબી જવાથી બે માસૂમ બાળકોના મોત નિપજ્યા છે. બનાવ અંગે જાણ થતા બિલ્ડિંગમાં જ સફાઈ કામ કરતા બંને બાળકોના માતા-પિતા દોડી આવ્યા હતા અને બંનેના મૃતદેહને પાણીમાંથી બહાર કાઢી 108 મારફતે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. હાલ પોલીસે બંને ભાઈ-બહેનના મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડી જરૂરી કાર્યવાહી હાથ ધરી છે.
મળતી માહિતી મુજબ રૈયા ધાર વિસ્તારમાં આવેલી ડ્રિમ સિટીની સામે સોપાન હાઈટ્સ બિલ્ડિંગમાં 30 માર્ચના એક કરૂણ ઘટના સામે આવી છે. બપોરના 2:30 વાગ્યાથી 3:30 વાગ્યા વચ્ચે બિલ્ડિંગમાં સફાઈ કામ કરતા નેપાળી પરિવારના બંને બાળકો રમતા રમતા સ્વિમિંગ પૂલ પાસે પહોંચ્યા હતા. આ દરમિયાન મોટા બાળકોના નાહવાના પૂલમાં બાળકી નાહવા માટે ઉતરી હતી, ત્યારે પૂલમાં બહેનને ડૂબતી જોઇ મોટો ભાઈ બચાવવા દોડ્યો હતો. જેથી પાણીમાં ડૂબી જવાથી બંને ભાઈ-બહેનનું ઘટનાસ્થળે જ મોત નિપજ્યું હતું.