રાજકોટના જંગલેશ્વરમાં 400 કરોડની સરકારી જમીન પર ખડકાયેલી 1358 મિલકતધારકોને વહીવટી તંત્ર દ્વારા કલમ 202ની ડિમોલિશનની નોટિસ આપવામાં આવતા સ્થાનિકોમાં રોષ ફાટી નીકળ્યો હતો. જોકે, આ મામલે હાઈકોર્ટમાં પીટિશન દાખલ કરાઈ હતી અને આ મામલે 2 ફેબ્રુઆરીએ હાઈકોર્ટ દ્વારા 3 માસનો સ્ટે આપવામાં આવ્યો હતો.
ત્યાર બાદ ગુજરાત રાજ્ય ટ્રિબ્યુનલ કોર્ટમાં જવા માટેના દ્વાર ખૂલ્યા હતા. જે બાદ 720 લોકો ગુજરાત સરકાર, રાજકોટ જિલ્લા કલેક્ટર અને અહીંના પૂર્વ વિસ્તારના મામલતદાર સામે કોર્ટ સમક્ષ અપીલમાં ગયા હતા. જોકે, 25 માર્ચના ગુજરાત મહેસૂલ પંચ દ્વારા સ્થાનિકોની અપીલ રદ કરતો ચૂકાદો આપવામાં આવ્યો છે.
અરજદારોને 7 દિવસમાં ખુલ્લી કરવાનો હુકમ કર્યો હતો રાજકોટ જિલ્લાના રાજકોટ શહેર (પૂર્વ) તાલુકા ગૃપ-4 માં આવેલી સરકારી ખરાબાની રેવન્યુ સર્વે નં.256 પૈકીમાં TP સ્કીમ-6 (રાજકોટ) પ્લોટ નં.159માં આ કામના અરજદારો દ્વારા જંગલેશ્વરમાં 1358 મિલકતધારકો દ્વારા દબાણ કરવામાં આવ્યું હતું. જે તપાસ કરતા બીનઅધિકૃત બાંઘકામ હોવાથી લેન્ડ રેવન્યુ કોડની કલમ-61 અન્વયે કાર્યવાહી કરવા નક્કી થયું હતું. જેથી મામલતદાર અને એક્ઝ્યુક્યુટીવ મેજિ., રાજકોટ શહેર (પૂર્વ)એ કાર્યવાહી કરી તા.23 માર્ચ 2026 ના રોજ જમીન મહેસૂલ કાયદાની કલમ-202 મુજબ પગલા લેવા અને દબાણવાળી જગ્યા અરજદારોને હુકમ મળ્યાથી 7 દિવસમાં ખુલ્લી કરવાનો હુકમ કર્યો હતો.