વૈષ્ણોદેવી અને દિલ્હી જતી ટ્રેનના રૂટ એકાએક બદલાયા

જમ્મુ તવી સેક્શનમાં ઇલેક્ટ્રિફિકેશન અને જયપુર-રેવાડી સેક્શનમાં અંડરબ્રિજના કામને કારણે સૌરાષ્ટ્રથી ઉપડતી બે મુખ્ય ટ્રેનોના શિડ્યુલમાં મોટા ફેરફાર કરવામાં આવ્યા છે.

જમ્મુ તવી ડિવિઝનમાં ચાલી રહેલા વિદ્યુતિકરણના કાર્યને કારણે આગામી 31 માર્ચ, 2026ના રોજ હાપાથી ઉપડનારી હાપા–શ્રીમાતા વૈષ્ણોદેવી કટરા એક્સપ્રેસ (12475) તેના નિર્ધારિત સ્ટેશન કટરા સુધી જઈ શકશે નહીં. આ ટ્રેનને ‘શહીદ કેપ્ટન તુષાર મહાજન’ સ્ટેશને જ ટૂંકાવી દેવામાં આવશે. પરિણામે, મુસાફરોએ છેલ્લા 25 કિલોમીટરનું અંતર અન્ય સાધનો દ્વારા કાપવું પડશે, કારણ કે કટરા સ્ટેશન પર આ ટ્રેનનું સ્ટોપેજ રહેશે નહીં.

બીજી તરફ જયપુર-રેવાડી સેક્શનમાં ‘કટ એન્ડ કવર’ પદ્ધતિથી અંડરબ્રિજ (RUB) બનાવવાની કામગીરીને લીધે 10 મે, 2026ના રોજ મોટો બ્લોક લેવામાં આવશે. આ કારણે 9મેના રોજ પોરબંદરથી ઉપડતી પોરબંદર–દિલ્હી સરાય રોહિલ્લા એક્સપ્રેસ (20937) તેના રેગ્યુલર રૂટ જયપુર-અલવરને બદલે ફુલેરા–રીંગસ–રેવાડી થઈને દોડશે. આ ટ્રેન જયપુર, દૌસા, બાંદીકુઈ અને અલવર જેવા મહત્વના સ્ટેશનો પર નહીં જાય. રેલવે તંત્ર દ્વારા મુસાફરોને રેલવે હેલ્પલાઇન નંબર 139 અથવા NTES એપ દ્વારા ટ્રેનનું લેટેસ્ટ સ્ટેટસ જાણીને જ મુસાફરીનું આયોજન કરવા અપીલ કરવામાં આવી છે. રૂટ ડાયવર્ટ થવાને કારણે ટ્રેન નિર્ધારિત સમય કરતાં મોડી પડી શકે તેવી પણ શક્યતા છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *